નવસારી: આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને સાઇકલ ચાલકને ઉડાવ્યો, ચાલક 50 ફૂટ ફંગોળાયો

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ.

Dharampur Khergam highway accident CCTV: ટક્કર એટલી જોરદાર હોય છે કે સાઇકલ ચાલક 50 ફૂટ સુધી ફંગોળાય છે. વ્યક્તિ સાથે તેની સાઇકલ પણ ઉછળીને રોડ પર પડે છે.

 • Share this:
  નવસારી: નવસારી જિલ્લા (Navsari district)માં બે દિવસ પહેલા એક આઈસર ચાલકે એક સાઇકલ ચાલકને ઉડાવ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન સાઇકલ ચાલકનું મોત થયું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા (Khergam Taluka) ખાતે આ બનાવ બન્યો હતો. ખેરગામ-ધરમપુર રોડ ઉપર બનેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈસર ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને રસ્તાની બાજુમાં સાઇકલ લઈને જઈ રહેલા વ્યક્તિને ઉડાવ્યો હતો. આઇસરની ટક્કરથી સાઇકલ ચાલક 50 ફૂટ ફંગોળાયો હતો.

  મળતી માહિતી પ્રમાણે ભૈરવી ગામના પેટ્રોલપંપ પાસે આ બનાવ બન્યો હતો. પીડિત વ્યક્તિ સાઇકલ પર નોકરી માટે જઈ રહ્યો હતો. અકસ્માત બાદ સાઇકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણ સાઇકલ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે.

  આ પણ વાંચો: અમદાવાદ: રિક્ષાને બે વ્હીલ પર ચલાવીને સ્ટન્ટ કરનાર ચાલક ઝડપાયો

  અકસ્માત બાદ આઇસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ખેરગામ પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધીને આઈસર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

  સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે સાઇકલ ચાલક પોતાની સાઇડમાં એટલે કે ડાબી બાજુએ સાઇકલ લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી એક આઈસર ચાલકે પૂર ઝડપે આવે છે અને સાઇકલને જોરદાર ટક્કર મારે છે.

  આ પણ વાંચો: સુરત: સાત વર્ષની બાળકી પર હેવાનિયત, અપહરણ બાદ શરીર બચકાં ભરી દુષ્કર્મ આચર્યું

  ટક્કર એટલી જોરદાર હોય છે કે સાઇકલ ચાલક 50 ફૂટ સુધી ફંગોળાય છે. વ્યક્તિ સાથે તેની સાઇકલ પણ ઉછળીને રોડ પર પડે છે. આ દરમિયાન અન્ય લોકોને પણ સાઇકલ ચાલક તરફથી દોડીને આવતા જોઈ શકાય છે.

  સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ જાણ કંઈ બન્યું જ ન હોય તેવી રીતે આઇસર ચાલક પૂર ઝડપે ફરાર થઈ જાય છે. જ્યારે દોડી આવેલા લોકો ઘાયલ થયેલા સાઇકલ ચાલકની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: