દીપક પટેલ, નર્મદા : સામાન્ય રીતે ઉનાળાની ઋતુ (Summer Season)માં શાકભાજીના ભાવ (Vegetable Price)આસમાને હોય છે. આ માટે જ ખેડૂતો (Farmers) ઉનાળામાં પણ પાણીની વ્યવસ્થા કરીને શાકભાજીનું વાવેતર કરતા હોય છે. જોકે, આ વખતે કોરોનાના કહેર વચ્ચે શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે બીજી તરફ એવું પણ જોવા મળી રહ્યું છે કે શહેરોમાં લૉકડાઉન (Lockdown)ને પગલે બમણા ભાવ લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો અનેક શાકભાજી ફેંકી દેવા મજબૂર બન્યા છે.
સમગ્ર દેશમાં લૉકડાઉન અસર દરેકના ધંધા-રોજગાર પર પડી છે. જોકે, સૌથી વધારે ખરાબ હાલત શાકભાજી પકવતા ખેડૂતોની થઈ છે. નર્મદા જિલ્લો શાકભાજીનું મોટું હબ છે. અહીં મોટા પ્રમાણમાં લોકો શાકભાજીની ખેતી કરતા હોય છે. હાલમાં શાકભાજીમાં રીંગણ, ફ્લાવર, કોબીજ, ધાણા, મરચાં, ભીંડા વગેરેનો પાક તૈયાર છે. પરંતુ ખેડૂતો જ્યારે શાકભાજી વેચવા જાય છે ત્યારે માંગ ન હોવાને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.
આવા જ એક ખેડૂતે બે ટ્રક જેટલા રીંગણ તોડીને ફેંકી દીધા છે. બીજી તરફ ધાણાની ખેતી કરતા ખેડૂતોની હાલત પણ એવી જ છે. માંગ ન હોવાને કારણે ધાણા ખેતરમાં જ પાકી ગયા છે.
ખેડૂતો ધાણાને તોડીને જ્યાં માંગ હોય ત્યાં વેચવા જાય છે ત્યારે લૉકાઉનને કારણે પોલીસ તેમને અટકાવી રહી છે. આવી જ રીતે કોબીજ પણ તૈયાર છે પરંતુ વેચવા ક્યાં જવું તે મગજમારીમાં કોબીજ પણ ખેતરમાં જ પાકી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે જો લૉકડાઉન હજુ વધશે તો તેમણે ઝેર પીવાનો વારો આવશે. ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે યોગ્ય ભાવ મળે તે માટે તેમને બીજા જિલ્લામાં શાકભાજી વેચવા દેવાની મંજૂરી આપવામાં આવે.
20 કિલો શાકભાજીનો ભાવ
શાકભાજી----હાલ ભાવ----પહેલા ભાવ
રીંગણ---- 100-120----- 300-400
ધાણા--- 160-200----- 400-600
ભીંડા----- 400-500 -----800
કોબીજ----50-60--------160-200
ચોરી-------320-400 -----600-800
ડુંગરી-------280-300-----500-600
બટાકા------320-350-----400-450
મરચા------- 320-400-----600-650
ટામેટા-------6 રૂ કિલો.----30 રૂપિયે કિલો