સરદાર પટેલ સ્વયં પૂતળાંઓના વિરોધી હતા!

News18 Gujarati
Updated: October 31, 2018, 12:44 PM IST
સરદાર પટેલ સ્વયં પૂતળાંઓના વિરોધી હતા!
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

"....ગાંધીના નામે મંદિરો ઉભા કરવાના અને બુતપરસ્તીની ગંધ આવે તેવા તેમના બીજા સ્મારકો ઉભા કરવાના જે અનેક પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મને ભારે અણગમો છે"

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આખરે વડાપ્રધાન મોદીએ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આજે એટલે કે 31મી ઓક્ટોબરે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરી જ નાખ્યું. આ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા 'એકતા યાત્રા'ના અને 'રન ફોર યુનિટી' ના નાટકો સફળતાથી નહિ તો પણ ભજવાઈ તો ગયા જ!

આ દરમિયાન શું કોઈએ એ બાબત જાણવા સુદ્ધા પ્રયાસ કર્યો કે, સ્વયં સરદાર પટેલનો પૂતળાંઓ અને સ્મારકોના મામલે શો મત હતો?

આ અંગે સરદારનો અભિપ્રાય બહુ સ્પષ્ટ હતો, તેવું જણાવતા વરિષ્ઠ સંપાદક અને 'સેન્ટર ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઓન લાઈફ એન્ડ વર્કસ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ', વલ્લભ વિદ્યાનગર, આણંદના પૂર્વ નિયામક ડૉ.હરિ દેસાઈ જણાવે છે કે, "આ માટે 14મી ફેબ્રુઆરી, 1948નો 'હરિજન બંધુ'માં લખાયેલો સરદાર પટેલનો લેખ વાંચી જાવ."

ગાંધીજીના અવસાન બાદના માત્ર બે અઠવાડિયા બાદના 'હરિજન બંધુ'ના આ અંકમાં સરદાર પટેલ "શોક તજો, હવે કામે વળગો" શીર્ષક હેઠળ લખાયેલા લેખમાં સ્પષ્ટ કરે છે કે, "....ગાંધીના નામે મંદિરો ઉભા કરવાના અને બુતપરસ્તીની ગંધ આવે તેવા તેમના બીજા સ્મારકો ઉભા કરવાના જે અનેક પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મને ભારે અણગમો છે"

સરદાર પટેલના આ શબ્દો બધું જ કહી જાય છે. જે વ્યક્તિ સ્વયં બુતપરસ્તીનો વિરોધી હોય તેના નામે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરીં અને નિર્દોષ લોકોની જમીનો આંચકીને જે પૂતળાંઓ ઉભા કરાયા છે, તે કોનું ભલું અને વિકાસ કરશે- તે પ્રજાએ વિચારવું રહ્યું!

આ પણ વાંચોઃ  મોદીએ નારાજ આદિવાસીઓને મનાવવાનો કર્યો પ્રયાસ? ભાષણમાં વારેવારે કર્યો ઉલ્લેખઆ સરકાર અને સમગ્ર પ્રોજેક્ટના સ્વપ્નદ્રસ્તા એ બાબત તો સુપેરે જાણતા જ હશે કે, સરદાર જયારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે અંગત મૂડી પેટે રોકડા માત્ર રૂ 262 હતા. આ ઉપરાંત, સરદાર પાસે સચવાયેલા કોંગ્રેસના રૂ. 35 લાખ હતા. જે તેમની પુત્રી મણીબેને તત્કાલીન વડાપ્રધાન નેહરુને તુરત જ પરત કરી દીધેલા. હા, એ વાત અલગ છે કે, માત્ર "થેન્ક યુ' કહીને સરદાર પછી તેમના પરિવારની શું સ્થિતિ થશે? - તેની દરકાર કે પૃચ્છા વગર જ આ તમામ પૈસા નહેરુએ સ્વીકારી લીધેલા. (આ મુદ્દે રાજનીતિ થઇ શકે !)

આ શબ્દો વાંચીને લોકો ગાળો ભાંડશે, સરદાર-દેશ વિરોધી ગણાવી દેશે અને એવું પણ કહી દેશે કે આ મીડિયાવાળાઓથી રાજ્યમાં આવડું મોટું વિશ્વવિખ્યાત સ્મારક બની રહ્યું છે, તે જોયું નથી જતું. ખુદ મોદીસાહેબે પણ કહ્યું કે કેટલાક લોકોથી અમારું આ કર્યું જોયું જતું નથી. જેના ઘેર હાંડલા કુસ્તી કરતા હોય, જેની જમીનો ગઈ હોય, જેના હૈયાઓ આ પ્રકારના અઢળક નાણાંના વ્યયથી બળી રહ્યા હોય તેને 'વેલી ઓફ ફ્લાવર્સ' સુખ ક્યાંથી આપે?

સરદાર અને ગાંધી દેશના પનોતા પુત્રો છે. દેશ માટે તેમણે કરેલા કાર્યો માટે દેશ તેમનો સદાય ઋણી રહેશે, તેમાં બેમત નથી. પરંતુ આ મહાનુભાવોના નામે જે આખલાઓ ચરી ખાય છે તે કોઈ સરદારપ્રેમી વ્યક્તિ કઈ રીતે સાંખી શકે?
First published: October 31, 2018, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading