દિપક પટેલ નર્મદા : નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે.રાજપીપળા પાલિકામાં આ વખતે ભાજપને 16 બેઠકો મળી છે, જે કદાચ રાજપીપળા પાલિકાના ઇતિહાસમાં કોઈ પણ રાજકીય પક્ષને વધુ બેઠકો મળી છે એવું કહી શકાય. રાજપીપળા પાલીકામાં આ વખતે સૌથી વધુ યુવા ઉમેદવારો ચૂંટાયા છે. એટલે એમ કહી શકાય કે રાજપીપળાનું ભવિષ્ય જનતાએ આ વખતે યુવાનોને સોંપ્યું છે.
રાજપીપળા પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહીત અન્ય મલાઈદાર હોદ્દાઓ મેળવવા લોબિંગ ચલાવ્યું હતું, તો સાથે સાથે ગોડફાધરોના શરણે પણ ભાજપના જીતેલા ઉમેદવારો પહોંચ્યા હતા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિલ રાવે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષની મુદત કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે હેમંત માછીની બિનહરીફ વરણી થઈ હતી.
રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી.ભગતના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17/03/2021 ના રોજ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં ચૂંટાયેલા 28 સભ્યો માંથી 5 સભ્યો પૈકી નિલેશસિંહ આટોદરિયા, મીનાક્ષી બેન આટોદરિયા, ઈશમાઈલ ઉષ્માનગની મન્સુરી, સાબેરાબેન, સુરેશભાઈ માધુભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.આ સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ પદ માટે હેમંતભાઈ નાગજીભાઈ માછી, કારોબારી ચેરમેન તરીકે સપનાબેન વસાવા, પક્ષના નેતા તરીકે વિરેન્દ્રસિંહ ગોહિલ અને દંડક તરીકે કાજલબેન પંકિલભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ ગોહિલ 27 વર્ષની નાની ઉંમરે રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા છે તો તેઓને આખા ગુજરાત રાજ્યની નગરપાલિકામાં સૌથી નાની વયના પ્રમુખ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ ગોહિલના દાદા ડો.જે.સી.ગોહિલ વર્ષ 1996 માં એક વાર જ્યારે એમના પિતા સ્વ.અલકેશસિંહ ગોહિલ વર્ષ 2000, 2002 અને 2015 એમ ત્રણ વાર રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા હતા. આમ દાદા, પિતા બાદ પૌત્ર રાજપીપળા પાલિકા પ્રમુખ બનતા એક જ પરિવારની 3 પેઢીએ પાલિકા પ્રમુખ પદ શોભાવ્યું હોવાનો અનોખો ઈતિહાસ પણ સર્જાયો છે.
રાજપીપળા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમે કોઈ પણ જાતના ભેદભાવ વગર વિકાસના કામો કરીશું, અને રાજપીપળામાં જે પણ અધુરા કામો છે એ પ્રથમ ઝડપથી પુરા થાય એવા અમારા પ્રયત્નો રહેશે. વેરા વધારા એ વહિવટી પ્રશ્ન છે, અન્ય નગરપાલિકાઓમાં પણ વેરા વધારાયા જ છે. રાજપીપળા નગરપાલિકા પેંશનરોને પેન્શન ચૂકવે છે, અમે સરકારમાં રજુઆત કરીશું કે પેન્શન સરકાર ચૂકવે.પેન્શન ચૂકવવાનો ભાર જો હલકો થશે તો રાજપીપળા પાલિકાના કર્મચારીઓના પગારનો પ્રશ્ન પણ હલ થશે. અમે નવા ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો લઈ વિકાસના કામો કરીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર