રાજપીપળા: નર્મદા ડેમ પાસે કેવડિયા નજીક બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્ય્યુ ઓફ યુનિટી ખાતે ગાઇડ તરીકે ફરજ બજાવતા યુવાનોને અહીં આવતા પ્રવાસીઓને વ્યાવસાયિક રીતે પ્રતિબદ્ધ ગાઇડ તરીકે જરૂરી માહિતી આપી શકે તે માટે ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ (રાજપીપળા) દ્વારા એકદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવમાં આવી છે અને આ પ્રતિમાને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50 જેટલા સ્થાનિક યુવક-યુવતિઓને ગાઇડ તરીકે રાખવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું અને ત્યારબાદ પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે.
ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનાં પ્રિન્સિપાલ અને વન સંરક્ષક ડો. કે. રમેશે ન્યુઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઉપયોગી અને જરૂરી માહિતી આપાવમાં ગાઇડની મહત્વની ભૂમિકા રહે છે. આથી, જો ગાઇડ પાસે સારા વાણી-વર્તનની સાથે સાથે આ સ્થળની આસપાસ જોવા અને ફરવા લાયક સ્થળોની યોગ્ય માહિતી હોય તો પ્રવાસીઓ માટે તે ઉપયોગી નીવડી શકે અને એ સ્થળોની મુલાકાત પણ લે.આથી, અહીં ગાઇડ્સને પ્રવાસીઓ માટે જોવા લાયક સ્થળોએ લઇ જઇને ત્યાં જ તેમને તાલીમ આપવામાં આવી જેથી તેઓ વ્યક્તિગત રીતે એ સ્થળની વિશેષતાઓથી વાકેફ અને માહિતગાર થઇ શકે અને પ્રવાસીઓને પણ એ સ્થળની મુલાકાત લેવા માટે પ્રેરે,”
“પ્રવાસીઓ કેવા પ્રકારની માહિતી વિશે ગાઇડને પુછી શકે, પ્રવાસીઓ સાથે વાતચીત કરતી વખતે એક ગાઇડ તરીકે તેમનું કેવું વર્તન હોવું જોઇએ તે વિશે તેમને તાલીમ આપવામાં આવી અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા સ્થળો અને નવા બની રહેલા આકર્ષણો વિશે પણ માહિતી આપવામાં આવી. જેમાં ભારત વન, વિશ્વવન, વેલી ઓફ ફ્લાવર્સ, એક્તા નર્સરી, આરોગ્ય વન, લોટ્સ પોન્ડ, જંગલ સફારી વગેરેનો સમાવેશ થાય છે. આમાં કેટલાક પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાઇ ચૂક્યા છે અને કેટલાક આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુસ્સા મુકાશે. ગાઇડ આ તમામ બાબતોથી અવગત હોય, તો તે પ્રવાસીઓને પણ આ વિશે માહિતી આપી શકે અને ભવિષ્ય આ પ્રવાસીઓ બીજી વખત આવવા માટે પણ પ્રેરાઇ શકે. ગાઇડ માટે બે તબક્કામા તાલીમ રાખવામાં આવી છે. બીજી બેચની તાલીમ આવતા સોમવારે યોજાશે,”. ડો. કે.રમેશે વધુ માહિતી આપતા જણાવ્યું.
ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનાં પ્રિન્સિપાલ ડો. કે. રમેશ ઉપસ્થિત રહ્યા હતા અને ગાઇડ્સને માર્ગદર્શન આપ્યુ હતુ,
આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે કેક્ટર ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એક્તા નર્સરી, આરોગ્યવન, જંગલ સફારી, નવુ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વગેરે પ્રકલ્પો ખુલ્લા મુકવામાં આવશે. હાલ, આ કાર્યો પ્રગતિમાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં વધારો થાય અને આ પ્રવાસીઓ અહીં રાત્રિ રોકાણ કરે અને ફરી વખત પણ આવે તે ઉદ્દેશ સાથે અહીંયા વિવિધ પ્રવાસનને લગતા આયોજનો થઇ રહ્યાં છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર