નર્મદાઃ સરદાર પટેલની જન્મતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાની પ્રતિમા)નું અનાવરણ કર્યું હતું. આ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલ એટલે કે પ્રથમ નવેમ્બરથી જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. જોકે, આજે સવારે શરૂઆતમાં ટિકિટ કે પાસની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અને બાદમાં અમુક લોકોને ફ્રીમાં તો અમુકને પૈસા લઇને પ્રવેશ આપવામાં આવતા હોબાળો મચી ગયો હતો.
આજે(ગુરુવારે) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવેલા યાત્રિકાએ નિરાશ થવું પડ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વારાણસી ખાતેથી આવેલા કેટલાક મુસાફરો બસમાં સવાર થઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે આવી પહોંચ્યા હતા. આ લોકોને અંદર જવા દેવામાં ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે કોઈ ટિકિટ કે પાસની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓને અંદર જવા દેવાયા ન હતા. જોકે, બાદમાં તેમની ફ્રીમાં જવા દેવાયા હતા.
ટિકિટ કે પાસની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂકવાની માંગણી કરી હતી. આ બાબતે સરદાર પટેલ સ્મારક ટ્ર્સ્ટ તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે. પ્રવાસીઓએ માંગણી કરી હતી કે જ્યાં સુધી કોઈ વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી સ્ટેચ્યૂના પરિસરમાં તમામને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવે.
સ્થાનિકોને ટિકિટ લઈને જ્યારે વારાણસીના લોકોને મફત પ્રવેશ અપાયો
બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે તંત્રએ બાદમાં ટિકિટની વ્યવસ્થા શરૂ કરી હતી. જેમાં તંત્ર તરફતી વ્હાલા-દવાલાની નીતિ અપનાવવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સ્થાનિકોને રૂ. 350 ટિકિટ લઈને પ્રવેશ અપાયો હતો, જ્યારે વારાણસીથી આવેલા 1500 પ્રવાસીઓને અહીં મફતમાં પ્રવેશ અપાયો હતો. જે બાદમાં સ્થાનિક પ્રવાસીઓએ પોતાના પૈસા પાછા માંગ્યા હતા. તંત્રએ ટિકિટના પૈસા પાછા આપવાનો ઇન્કાર કરતા ટિકિટબારી ખાતે હોબાળો મચી ગયો હતો.
બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થઈ જવાને કારણે અનેક સ્થાનિક લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. કામ પૂર્વ થતાની સાથે સ્ટેચ્યૂનું કામ કરતી કંપનીએ 150થી વધારે સ્થાનિક લોકોને છૂટા કરી દીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે સરકારે તેમને કાયમી નોકરી આપવાની બાંહેધરી આપી હતી. કંપનીમાંથી છૂટા કરવામાં આવેલા કર્મીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ગેટ પાસે હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ અહીં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર