દીપક પટેલ,નર્મદા/ અંકિત પોપટ, રાજકોટ: ગુજરાતના જળસંકટની સ્થિતિ વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 119.57 મીટરે પહોંચી છે. આ સાથે જ ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો છે.
ઉપરાંત રાજકોટને નર્મદાનું પાણી મળવાનું શરૂ થઇ ગયું છે. પાઇપલાઇન મારફતે પાણી ત્રંબા ગામે પહોંચ્યું છે. જેના કારણે આગામી 31 જુલાઇ સુધી પાણીની મુશ્કેલી નહીં નડે. જ્યારે 400 એમસીએફટી પાણી આજીમા અને 100 એમસીએફટી પાણી ન્યારીમાં ઠલવાશે. હાલ આજીડેમની સપાટી 18.60 ફૂટ છે.
હાલ ગુજરાતમાં જળ સંકટની પરિસ્થિતિમાં નર્મદાનું પાણી જ જનતાને તારશે. આવામાં સારી વાત એ છે કે, ઉપરવાસમાંથી છોડાઇ રહેલાં પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે. આ પહેલીવાર છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.
જેના પગલે સરદાર સરોવર ડેમમાંથી ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાંથી 4386 ક્યુસેક છોડાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી ખેડૂતો માટે પાણી આપવાનું ચાલુ કરાયું નથી. નર્મદા ડેમમાં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો હયાત છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીને જોતાં લાગી રહ્યું છે કે, રાજ્યમાં ઊનાળા દરમિયાન પાણીની સમસ્યા નહીં નડે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર