ન્યૂઝ18 ગુજરાતીઃ સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા હતા. સમારકામ અને સારસંભાળના કારણે સરકારે દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકારે આ અંગેની જાહેરાત રાષ્ટ્રીય સ્તરે ન કરતા અનેક પ્રવાસીઓ મુલાકાત લેવા માટે સોમવારે કેવડિયા પહોંચી ગયા હતા. તહેવારોના દિવસોમાં દરરોજ 15 હજાર જેટલા લોકો મુલાકાતે આવતા હતા. સોમવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી ગયા હતા. જોકે, સ્ટેચ્યૂની મુલાકાત બંધ હોવાથી પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો.
બીજા રાજ્યમાંથી આવેલા લોકો અટવાયાં
સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર સોમવારે બંધ રહેશે તેવી રાષ્ટ્રીય સ્તરે જાહેરાત નથી કરી. આથી સોમવારે જે લોકો અટવાયાં હતાં તેમાં ગુજરાત બહારના વધારે હતા. બીજા રાજ્યમાંથી આવેલા લોકોએ માંગણી કરી હતી કે તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતની છૂટ આપવામાં આવે. બીજી તરફ અરુણચલના રાજ્યપાલ પણ સોમવારે જ મુલાકાતે આવી પહોંચ્યા હતા. તંત્ર તરફથી તેમને સ્ટેચ્યૂ ઓફો યુનિટીની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી હતી. એટલું જ નહીં 300 જેટલા લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ઓનલાઇન મંજૂરી મેળવી હતી. આ લોકો ટેન્ટ્સ પણ બુક કર્યા હતા. તંત્રએ તેમને પણ મુલાકાત લેવાની છૂટ આપી હતી. જેના કારણે હાજર લોકોમાં એવો મેસેજ ગયો હતો કે અમુક લોકોને પ્રવેસની છૂટ આપવામાં આવે છે. બાદમાં પ્રવાસીઓએ તેમને પણ પ્રવેશની છૂટ આપવામાં આવે તેવી માંગણી સાથે હોબાળો મચાવી દીધો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણથી જે લોકોએ પોતાની જમીન ગુમાવવી પડી છે તેવા લોકોએ સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના ગામના યુવાનોએ દેખાવો કરી તેમને રોજગારી આપવાની માંગણી કરી હતી. યુવાઓએ દાવો કર્યો હતો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરું થતાં તેમને નોકરીમાંથી છૂટા કરી નાખાવામાં આવ્યા છે, તેમજ તેમના બદલે પરપ્રાંતિયોને નોકરી પર રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરું થયું ત્યારે પણ સ્થાનિકોએ આવું વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનો દાવો હતો કે સરકારે તેમને કાયમી નોકરી આપવાની વાત કરી હતી. પરંતુ કામ પૂરું થતાની સાથે જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે બંધ
સરકારે જાહેરાત કરી છે કે મેઇન્ટેનન્સ માટે દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ ઉપરાંત દિવાળીના તહેવારો પર સરકારે લોકોને વિનંતી કરી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બંને લિફ્ટની ક્ષમતા દરરોજ પાંચ હજાર લોકોને વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જવાની છે. આથી કોઈ પ્રવાસીઓએ પોતાના પ્રવાસનું આયોજન એ રીતે કરવું જેનાથી તેમણે નિરાશ થઈને પરત ન જવું પડે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર