નર્મદા ડેમની સપાટી 130.80 મીટરે પહોંચી, વરસાદ વગર રાજ્યમાં ત્રણ વર્ષ સુધી પાણી પૂરું પાડવા સક્ષમ

સરદાર સરોવર.

નર્મદા કેનાલમાં હાલ એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની 2 મહિનાની તરસ છીપાવી શકે છે.

 • Share this:
  દીપક પટેલ, નર્મદા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar)ને એમ જ 'ગુજરાતની જીવાદોરી' નથી ગણવામાં આવતો. હવે સરદાર સરોવર નર્મદા ડેમ (Narmada Dam) એટલો સક્ષમ થઇ ચૂક્યો છે કે જો ગુજરાતમાં આવનારા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ આ ડેમ ગુજરાતના ખૂણેખૂણામાં પાણી પહોંચાડવા માટે સક્ષમ છે. ગુજરાત (Gujarat) માટે સારા સમાચાર છે કે નર્મદા બંધની સપાટીમાં છેલ્લા આઠ દિવસથી સતત વધારો થઈ રહ્યો છે.

  હાલ નર્મદા ડેમની સપાટી 130.80 મીટરે પહોંચી છે. મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા તેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. આજે ઉપરવાસમાંથી 90 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં 2200 MCM (million cubic metre) લાઈવ પાણીનો જથ્થો છે. ગુજરાત માટે કેનાલમાં 6000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ હાલ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ છે.  ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે. નર્મદા બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. આ વર્ષ ખૂબ સારું છે. એટલે કે ડેમ આ સપાટી સુધી ભરાશે તો આગામી ત્રણ વર્ષ સુધી પાણીની જરા પણ તંગી નહીં પડે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે. ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે. જો આ દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ ઓવરફ્લો થયો હોત. હાલ ડેમના દરવાજા પર 10 મીટર જેટલું પાણી ભરાયેલું છે.  ગુજરાતમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 75% ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ 458 કી.મી. લાંબી કેનાલ શરૂ થાય છે. કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની 2 મહિનાની તરસ છીપાવી શકે છે. નર્મદા આધારિત રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની 75% વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેક્ટર એટલે કે કુલ ખેતી લાયત વિસ્તારના 15% જમીનમાં સિંચાઈનો લાભ મળે છે.

  કેમ સરદાર સરોવર નર્મદા ડેમને ગુજરાતની જવાદોરી કહેવાય છે?

  • નર્મદા કેનાલની કુલ લંબાઈ: 458 કિ.મી.

  • કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા: 22,000 કરોડ લીટર

  • કેનાલમાં અત્યારે પાણીનો જથ્થો: 17,100 કરોડ લીટર

  • નર્મદાનું પાણી પીવા માટે મેળવા ગામ-શહેર :10,000 ગામ, 175 શહેર

  • જમીનને સિંચાઈ માટે મળતો લાભ: 18 લાખ હેકટર

  • કેટલા ડેમ-તળાવો ભરાય છે: 25 ડેમ, 750 તળાવ

  Published by:Vinod Zankhaliya
  First published: