Home /News /south-gujarat /Bharuch : નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા માટે 25 બોટ ફાળવાઇ, આ સુવિધા ઉભી કરાઇ

Bharuch : નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા માટે 25 બોટ ફાળવાઇ, આ સુવિધા ઉભી કરાઇ

નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયાની એકમાત્ર ઉત્તરવાહિની પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 બોટની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.તેમજ જરૂરી સાવચેતીનાં પગલા લેવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયાની એકમાત્ર ઉત્તરવાહિની પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 બોટની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.તેમજ જરૂરી સાવચેતીનાં પગલા લેવામાં આવ્યાં છે.

    Aarti Machhi, Bharuch : સમગ્ર ભારતવર્ષમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. તેમાં પણ ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. નર્મદા જિલ્લામાંથી નર્મદા મૈયા ઉત્તર દિશા તરફ વહેતી હોવાથી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા થાય છે. નાંદોદ તાલુકાના રામપુરા ગામે આવેલા રણછોડરાયજી મંદિર ખાતેથી ચૈત્ર મહિનામાં નર્મદા નદીની પંચકોશી પરિક્રમા શરૂ થાય છે.

    તિલકવાડા તાલુકાના નાગેશ્વર મંદિર થઈને પરત રામપુરા ગામે પહોંચે છે. પગપાળા ચાલીને જતા શ્રદ્ધાળુઓને નર્મદા નદી પાર કરવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુ સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંને જગ્યાએ બોટ ચલાવવા માટે ઈજારદારોને સંચાલન સોંપી કુલ 25 જેટલી બોટની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરીક્રમા પથ ઉપર અને જ્યાં નદી ઓળંગવાની થાય છે તેવા બંને સ્થળોએ 24 કલાકનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.


    આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ બે ટીમોની કરાયેલી વ્યવસ્થા
    નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમાવાસીઓની આરોગ્યલક્ષી સુવિધાઓ માટે બે અલગ-અલગ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઈ શ્રદ્ધાળુને પ્રાથમિક સારવારની જરૂર જણાય તો તેની સુવિધા પુરી પાડવામાં આવે છે. જ્યાંથી પરિક્રમાનો શુભારંભ થાય છે, તેવા રણછોડરાયજી મંદિર પાસે એક યુનિટ ઉભું કરવામાં આવ્યું છે.

    અહીં આવતા શ્રદ્ધાળુઓ જેમને જરૂરિયાત હોય તેમને એનસીડી અંતર્ગત બીઆરએસ બ્લડ અને સુગરના ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ શ્રદ્ધાળુઓને કોવિડ અંગેની જાગૃતિ સાથે સાવચેતીના ભાગરૂપે માસ્ક અને સેનેટાઈઝરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

    મગરની શક્યતા જોતાં સાવચેતી માટે જરૂરી બોર્ડ લગાવાયા
    ઉત્તરવાહીની-પંચકોશી પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારે જીવનું જોખમ ઉભું ન થાય તે માટે પૂરતી તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને નર્મદા નદીમાં વિવિધ વિસ્તારોમાં મગરનો વસવાટ હોવાથી તેની શક્યતાઓને લઈને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન જણાય તેવા હેતુ સાથે ચેતવણી દર્શાવતા બોર્ડ પણ વિવિધ સ્થળોએ નદી કિનારે મૂકવામાં આવ્યા છે.

    રાત્રિના સમયે શ્રદ્ધાળુઓને નદી પાર કરવામાં કોઈ તકલીફ ન જણાય તે માટે બોટના ઈજારદારને અપાયેલી સૂચના મુજબ વીજળીની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રવાસન વિભાગને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોબાઈલ ટોયલેટ સુવિધા પણ વિવિધ સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

     
    First published:

    Tags: Bharuch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો