ખુશીના સમાચાર! નર્મદા ડેમની સપાટી 127.46 મીટરે પહોંચી, દ્રશ્ય આહલાદક અને રમણીય બન્યું

નર્મદા ડેમ

આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે.

  • Share this:
નર્મદા બંધની જળ સપાટી આજે તા. ૧૭ મી જુન, ૨૦૨૦ ના રોજ સવારે ૧૨૭.૪૬ મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ MCM ની આસપાસ છે. પાણીના દ્રષ્ટ્રીનું વર્ષ ૩૦ જુને પુર્ણ થાય અને ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮, ૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી.વ્યાસે આજે કેવડીયા ખાતે જણાવ્યું હતુ કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલ નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે તેમજ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નાંખવામાં આવી રહ્યું છે તે સિવાય સૌરાષ્ટ્રની અલગ બ્રાન્ચો અને નર્મદા કમાન્ડની અલગ બ્રાન્ચોમાં પણ જરૂરીયાત મુજબનું પાણી પીવાનું તથા સિંચાઇનું પુરૂ પાડવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. રિવર બેડ હાઉસ અને કેનાલ પાવર હાઉસ પણ હાલ કાર્યરત છે તે બંને પાવર હાઉસમાં થઇને આશરે રોજનું ૧૭ થી ૨૦ મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે : આર્થિક રીતે અંદાજે રૂા. ૩.૫ થી ૪ કરોડનું વીજ ઉત્પાદન થઇ રહ્યું હોવાનું પી.સી.વ્યાસે જણાવ્યું હતુ

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમા વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસના ૨૦૦ મેગાવોટના ૧ એવા ૫ યુનિટ કાર્યરત છે એટલે કે ૧ હજાર મેગાવોટ વીજળી હાલમાં ઉતપન્ન થઈ રહી છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના ૫ યુનિટમાંથી ૨ યુનિટ ચાલુ કરવામાં આવેલ હોવાથી ૧૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આમ, કુલ ૧૧૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે.

નર્મદા ડેમ


કેનાલ હેડ પાવર હાઉસમા ૭ હજાર ક્યૂસેક પાણી વહી રહ્યું છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલમાં આજે તા. ૧૭ મી જુનના રોજ સવારે ૮:૦૦ કલાકે ૧૨૭.૪૬ મીટરે નોધાઈ છે, જેના કારણે નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે. સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મીલીયન ક્યૂબીક મીટર છે આમ, પાણીનો સંગ્રહ કરવાની કેપેસીટીની સામે જુન મહીનામાં પાણીનો સારો એવો સંગ્રહ નોધાયેલ છે. આ પાણીનો જથ્થો વીજળી પેદા કરવામાં, સિચાઈ માટે પાણી આપવા માટે અને પીવાના પાણીની જરૂરીયાત માટે અતિ ઉપયોગી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઈન્ડિયન મેટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરવામાં આવેલ છે આમ, આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે. પાણીની કુલ સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) પાણીનો સંગ્રહ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર થશે.

નર્મદા ડેમ


ચોમાસા દરમિયાન ફલ્ડ કંન્ટ્રોલ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા સતત ૨૪ કલાક ચાલું હોઈ તેવો કંન્ટ્રોલ રૂમ ૧ લી જૂનથી ચાલુ કરવામાં આવેલ છે આમ, આ ફલ્ડ કંટ્રોલ ઓફિસમાં એન્જિનિયરો દ્વારા ૨૪ કલાક ૧ લી જૂનથી ૩૧ ઓકટોબર સુધી ડેમમાં આવતા પાણી અને પાવર હાઉસના ઓપરેશન તથા રેડીયલ ગેઇટના ઓપરેશન ઉપર ૨૪ કલાક નિગરાની રાખવામાં આવી રહી છે.

સરદાર સરોવર ડેમ સાઈટ ખાતે આશરે ૪ ઇંચ જેટલો વરસાદ થયેલ હોવાથી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામા ચારેય તરફ લીલોતરી છવાયેલ હોવાથી અને નર્મદા ડેમ પણ ૧૨૭.૪૬ મીટર ભરેલ હોવાથી દ્રશ્ય આહલાદક અને રમણીય લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published: