નર્મદા ડેમ ખાતે 1,200 મેગાવોટ વીજ ઉત્પાદન શરૂ કરાયું

નર્મદા ડેમ

રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે નર્મદા ડેમની મુલાકાત લેતા ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે મા નર્મદાના વધામણાં કરી જળ પૂજન કર્યું હતુ.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. તેની સાથે જ ડેમ ખાતે વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ અંગેની જાણકારી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી હતી. શુક્રવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી.

  રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે નર્મદા ડેમની મુલાકાત લેતા ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે મા નર્મદાના વધામણાં કરી જળ પૂજન કર્યું હતુ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઈ રાતથી 1200 મેગાવોટ જળ વીજળીનું ઉત્પાદન શરૂ થયું છે. નર્મદા જળથી પાવન થતી ગુજરાત રાજય ભૂમિ માટે આનંદ અનુભવતા નીતિન પટેલે કહ્યુ કે, નર્મદા મુખ્ય કેનાલમાં 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં 1,400 ક્યુસેક, સાબરમતી નદીમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને પાણી મળશે.

  નીતિન પટેલે વધુમાં કહ્યું કે, નર્મદા યોજના પાછળ રૂ.60,000 કરોડનો ખર્ચ થયો છે, હવે એના સારા પરિણામો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ તમામ સહભાગી રાજયોને પણ થશે. નર્મદા યોજના થકી મધ્યપ્રદેશને વીજળી અને ગુજરાતની સાથોસાથ રાજસ્થાનને નર્મદાનું અમૃત જળ મળશે.  નર્મદાના જળના વધામણા

  શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા ખાતે જીવનદાયક નર્મદા જળના વધામણાં કર્યા હતા. ડેમ ટોપની વ્યૂઇંગ ગેલેરી ખાતે નર્મદા પૂજન કર્યુ અને શ્રીફળ, ચૂંદડી અને પુષ્પોથી જીવનદાયક નર્મદા જળને વધાવ્યું હતુ. વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં સારા વરસાદથી દુષ્કાળના ઓળા દૂર થયા છે. ગુજરાતે નર્મદા બંધ ભરીને નેવાના પાણી મોભે પહોંચાડવાનું અદ્દભુત કામ કર્યુ છે. નર્મદા બંધના જળાશયમાં 131.5. મીટરની ઊંચાઇ સુધી પાણી ભરીને ગુજરાતે પોતાની ટેકનિકલ ક્ષમતા પૂરવાર કરી છે જેનો મને ગર્વ છે.  રૂપાણીએ વધુમાં કહ્યુ કે, ઇશ્વરની કૃપાથી વરસાદ ખૂબ સારો છે, ત્યારે નર્મદા બંધને મંજૂરી મેળવીને તબક્કાવાર 138 મીટરની પૂર્ણ ઊંચાઇ સુધી ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પૂરના પાણીથી સૌની યોજના, સૌરાષ્ટ્રના ખાલી બંધો, સુજલામ સુફલામની કેનાલો, મહી, સાબરમતી સહિત નદીઓ, ઉત્તર ગુજરાતના બંધોમાં પણ પાણી ભરવામાં આવશે. રાજય સરકારના આ નિર્ણયથી પ્રજાજનોને પાણીના પ્રશ્ને નિરાંત અને રાહત અનુભવાશે તેવી મને આશા છે. જીવનદાયક નર્મદાના જળ થકી રાજયમાં પાણીની સમસ્યાનું નિવારણ થશે.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ અને નાયબ મુખ્યમંત્રીએ નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી કે. કૈલાશનાથન, એમડી ડો.રાજીવકુમાર ગુપ્તા અને સમગ્ર ટીમ નર્મદાને અભિનંદન આપ્યા હતા. તેમણે ગુજરાતની જનતાને આ આનંદ ઉત્સવના પ્રસંગના વધામણાં પાઠવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: