ભરૂચ : શહેરમાં બિલ્ડરના મકાનમાંથી 1 કરોડથી વધુની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન બિલ્ડરના ઘરમાંથી 1,03,96,500ની ચોરી થઇ જતા ચકચાર મચી ગઇ હતી. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પગેરું શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચમાં બિલ્ડર ધર્મેશભાઇ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ગયા હતા. 12 જૂનના આ પરિવાર ઘર બંધ કરીને કુળદેવીના દર્શને ગયા હતા. આ લોકો 14મી જૂને વહેલી સવારે પરત આવી ગયા હતા. પરિવાર પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ સાથે ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેથી તેમને લાગ્યું કે, ઘરમાં ચોરી થઇ છે.
આ રીતે ચોરો ઘરમાં પ્રવેશ્યા
ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે જાળીવાળા દરવાજાનો નકુચો તોડી નાંખ્યો હતો. જે બાદ દરવાજાનું ઇન્ટર લોક તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળના રૂમમાં આવેલા લાકડાના કબાટમાંથી કુલ રોકડા 1,03,96,500 રુપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ફરાર ચોરોને શોધવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે. આ સાથે પોલીસ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના વર્ણન અને ફરાર થવાની દિશા શોધવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક અનુમાન પ્રમાણે, આ ચોરો પરિવારના જાણભેદુ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.
બિલ્ડરે વેપારના કામ માટે ઘરમાં પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમત રૂપિયા 9646500 હતી. આ ઉપરાંત 100ની નોટના ત્રણ બંડલ જેની કુલ કિંમત 6 લાખ અને 100 રૂપિયાના દરની 100 નોટના 5 બંડલ હતા.