કેતન પટેલ, બારડોલી : ડાંગ જિલ્લાના લીંગા સ્ટેટ (Dang Linga State)ના રાજવી પરિવારનું પારંપારિક રામાયણકાળનું પંચધાતુનું કડુ ગુમ થયા બાદ ત્રણ ગામનાં લોકોએ હોળી (Holi Celebration) સહિતના તહેવારો ન ઉજવી વિરોધ નોંધાવ્યો હતો. હવે આ કડુ મળી આવતા રાજવી પરિવારે હાશકારો અનુભવ્યો છે. ડાંગ જિલ્લો તેની રહેણીકરણી અને સંસ્કૃતિ (Dang Culture)ને કારણે આજે પણ અન્ય પ્રદેશથી જુદો તરી આવે છે. માન્યતા પ્રમાણે ચોરી કરનાર ઇસમ આંધળો કે માનસિક સંતુલન ગુમાવે બેસે છે. આદિવાસી સંસ્કૃતિ (Tribal Culture) અને પરંપરા મુજબ દૈવી શક્તિ ઉપર વિશ્વાસ રાખી ચોરીની પોલીસ ફરિયાદ પણ દાખલ કરી ન હતી. માન્યતા પ્રમાણે જ ચોરે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારે આ કડુ પરત કર્યું છે.
આજના ડિજિટલ યુગમાં અહીંયા શારીરિક માંદગી હોય કે કાયદાકીય લડાઈ, લોકો કોર્ટ કચેરી ન જતા વૈદ્ય અને ભગત પાસે જવાનું વધારે પસંદ કરે છે. ગત માર્ચ મહિનામાં લિંગા સ્ટેટના રાજવી છત્રસિંહ સૂર્યવંશીના ઘરેથી વંશ પરંપરાગતથી પૂજા અર્ચના કરતાં આવેલા પંચધાતુના કડાની ચોરી થઈ જતાં રાજવી પરિવારમાં આઘાત લાગવા સાથે ત્રણ ગામના લોકોએ હોળીનો તહેવાર મુલતવી રાખી રોષ વ્યક્ત કર્યો હતો.
લીંગા સ્ટેટના રાજવી છત્રસિંહના જણાવ્યા અનુસાર આ પંચધાતુનો કડુ ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક શક્તિ ધરાવે છે. આ કડુ અમારા પૂર્વજોને જનક રાજાએ આપ્યું હોવાથી વંશ પરંપરાગત રીતે તેની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરવામાં આવતી હતી.
આ પણ વાંચો : ધોરણ-10 પરિણામ : સફળતાના શિખર સર કરતી અમદાવાદની ટ્વીન્સ રિયા અને રિચા
ગત હોળી દરમિયાન કોઈક વિઘ્નસંતોષીએ આ પંચધાતુનું કડુ ચોરી પરંપરા તોડીને અમને મુશ્કેલીમાં મૂક્યા હતા. ચોરી કરનાર ઈસમ કડુ ચમત્કારિક શક્તિનો પરચો થતાં તેણે માનસિક સંતુલન ખોઈ દીધું હોય જેથી તેના ગામના કેટલાક લોકોએ કડુ તેમની પાસે હોવાનું જણાવી પરત કર્યું હતું.
લૉકડાઉન પૂર્ણ થતાં કડુ ચોરનાર ઈસમ અને ગ્રામજનો સાથે બેઠક કરી કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવશે. ડાંગ દરબાર દરમિયાન ચોરાયેલ કડુ અંગે રાજવીઓએ પોલીસ ફરિયાદ ન કરી પોતાના માણસો પાસે તપાસ કરાવી હતી. તેમનું માનવું હતું કે ચોરાયેલ કડુ જેમના ઘરે હશે તેમને ત્યાં કોઈક અનિચ્છનીય ઘટના બનશે. મહારાષ્ટ્રના ગડી ગામેથી કડુ ચોરનાર ઈસમ માનસિક સંતુલન ખોઈ બેસતા તેમના પરિવારજનોએ આ રાજવીઓને કડુ સુપ્રત કર્યું હતું.
Published by:News18 Gujarati
First published:June 09, 2020, 12:41 pm