જય વ્યાસ, ભરૂચ : ભાજપના પૂર્વ મંત્રીએ દારૂબંધી હટાવી લેવા અંગેનું નિવેદન આપ્યું છે. આ પૂર્વ મંત્રીને હાલ બીજેપીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી કરતા તેમને બીજેપીના સભ્યપદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ખુમાનસિંહ વાંસીયાનો દાવો છે કે કેમિકલ યુક્ત ખરાબ દારૂને કારણે ગુજરાતનું યુવાધન મરી રહ્યું છે. આ માટે જ ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ.
પૂર્વ મંત્રીએ દારૂબંધી હટાવવા પર શું કરી દલીલ?
"મહાત્મા ગાંધી, મોરારજી દેસાઈ કે ગુજરાત સરકારની દારૂબંધી પાછળનો તર્ક એવો છે કે આપણા યુવાધનને દારૂમાં બરબાદ થતું અટકાવવું. પરંતુ છેલ્લા 50 વર્ષમાં ગુજરાતમાં દારૂબંધીનો અમલ યોગ્ય રીતે થયો નથી. આપણા દેશની સૌથી મોટી મુળી યુવાધાન છે. દેશમાં 65 ટકા લોકો યુવાઓ છે. રાજ્યમાં 20થી 30 વર્ષની વયે અનેક બહેનો વિધવા થયાના હજારો દાખલા સામે આવ્યા છે. અનેક ગામો એવા છે જ્યાં 50 ટકા વિધવા બહેનો યુવાન છે. દારૂબંધીને કારણે આ બહેનો વિધવા બને છે."
રાજ્યમાં ચાલે છે દારૂની 'લઘુઉદ્યોગ'
"ગુજરાતમાં દારૂનો છાનોછૂપો લઘુઉદ્યોગ ચાલે છે. રાજકીય ઓથાર હેઠળ તેમજ પોલીસની રહેમનજરે આ ઉદ્યોગ ચાલી રહ્યો છે. જેના કારણે આપણે ત્યાં બેટરીના સેલ અને કેમિકલનો દારૂ બને છે. દારૂ બનાવતી વખતે તેની અંદર પેશાબ કરતા લોકો પણ હોય છે. આ દારૂનું યુવાધન સેવન કરે છે ત્યારે તેમને લીવરની બીમારી થાય છે. તેમનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. કેમિકલવાળો દારૂ પીવાથી તે ખોરાક પણ લઈ શકતો નથી. આ દારૂબંધીથી જો યુવાધન બરબાદ થતું હોય તો આવી દંભી દારૂબંધીની ગુજરાતમાં કોઈ જરૂર નથી."
"સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો પોરબંદરમાં ગાંધીજીના મહોલ્લા પૂરતી દારૂબંધી રાખવી જોઈએ. ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો હોવાથી અહીં દારૂબંધી છે, પરંતુ ગાંધીજી તો આખા રાષ્ટ્રના પિતા છે, તો આખા દેશમાં દારૂબંધી કેમ નથી? હું એવી દલીલ નથી કરી રહ્યો કે દારૂબંધીને કારણે આપણી કરોડોની ટેક્સની આવક જતી રહે છે. મારી દલીલ એટલી છે કે જો દારૂબંધીને કારણે આપણું યુવાધાન ખતમ થઈ રહ્યું હોય તે તેને હટાવી દેવી જોઈએ."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર