ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

News18 Gujarati
Updated: October 20, 2019, 5:23 PM IST
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો
પ્રતિકાત્મક તસવીર

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 2812 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યું

  • Share this:
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી(નાલસા), નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન અને ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પ્રશાસનના સહયોગથી ભરૂચના શુકલતીર્થ ખાતે દેશનો સૌપ્રથમ મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 2812 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યું હતું. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદાર કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ દ્વારા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યા હતા.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ન્યાયિક સેવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. નેશનલ લીગલ સર્વિસ / રાજ્ય લીગલ સર્વિસ / જિલ્લા લીગલ સર્વિસ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરીટી દરેકને મફત અને કાનુની ન્યાય - સહાય મળે તે માટે સતત કાર્યરત છે.

શાહે સમાજમાં થતાં ઝઘડા / તકરાર નિવારણ માટે દરેક તાલુકા - જિલ્લા કોર્ટોમાં તકરાર નિવારણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો. નાણાંના અભાવે કોઈ પણ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે ન્યાયતંત્ર સંકલ્પબધ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

શાહે ઉમેર્યું કે, સરકાર અને લાભાર્થીઓ વચ્ચે સેતુરૂપ બનવાના ભાગરૂપે સરકારી યોજનાઓથી કોઈ લાભાર્થી વંચિત ન રહે તે માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા સમગ્ર દેશના દરેક જિલ્લામાં લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શાહે કેન્દ્ર - રાજ્ય સરકારની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને જણાવી સમાજમાં દિકરા-દિકરીને સમાન ગણી દિકરી જન્મના વધામણા કરવા તેમણે અનુરોધ કર્યો હતો. શાહે લાભાર્થીઓને યોજનાનો લાભ મેળવી આર્થિક રીતે પગભર થવા જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલ મેગા લીગલ સર્વિસ કેમ્પને સફળ બનાવવા બદલ જિલ્લા પ્રશાસનને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથે જણાવ્યું કે, લીગલ સેવા કેમ્પમાં એક જ સ્થળેથી સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે છે. નાગરિકોને તાલુકા - જિલ્લા તેમજ રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનુની સહાય અને સેવા પુરી પાડ્વામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે મેગા લીગલ કેમ્પની સફળતા બદલ જિલ્લા પ્રશાસન ભરૂચ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની ટીમને અભિનંદન આપ્યા હતા.

કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ સમગ્ર દેશના પ્રથમ મેગા લીગલ સર્વિસ કેમ્પના આયોજનને આવકારતા જણાવ્યું હતું કે, લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પ્રજાકલ્યાણની યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી હાથો હાથ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. મોડિયાએ કેન્દ્ર - રાજ્ય સરકારની સમાજના છેવાડાના માનવીના ઉત્કર્ષની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી વિમલ વ્યાસે જણાવ્યું કે, આર્થિક અસમાનતાને કારણે ન્યાયિક સેવાઓથી કોઈ પણ નાગરિક વંચિત ન રહે તે માટે લીગલ સર્વિસ ઓથોરીટીની રચના કરી સમાનપણે કાનુની સહાય મળે તેની નાલસા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના નેજા હેઠળ રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગરીબી નાબૂદી, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના પ્રશ્નો, આદિવાસીઓના અધિકારો અને હક્કોનું રક્ષણ, માનસિક - બિમાર, અશક્ત તેમજ વિકટીમ કોમ્પેશન્સ હેઠળ લીગલ સર્વિસ કેમ્પના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવે છે.

રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લામાં મેગા લીગલ કેમ્પનું આયોજન કરી સરકારના તમામ વિભાગોને એક છત્ર હેઠળ લાવી લાભાર્થીઓને લાભો આપવાનું સરાહનીય કામ આજે થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં ગુજરાત હઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ એક્ઝીક્યુટીવ ચેરમેન એસ.આર.બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના ચેરમેન આર.એમ.છાયા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ભરૂચ જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ એન.વી.અંજારીયા તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એ.જે.શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા કાનુની સેવા સતા મંડળ – ભરૂચના ચેરમેન ઉત્કર્ષ ટી. દેસાઈ, કુલ ટાઈમ સેક્રેટરી જીમી ઝરીર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા સરકારી વકીલ પ્રફુલ્લસિંહ પરમાર, જિલ્લા વહીવટીતંત્ર, શુકલતીર્થ ગામના સરપંચ મંજુલાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ જયદિપસિંહ તથા ગ્રામજનોનું બહુમુલ્ય યોગદાન રહ્યું હતું. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ કોર્ટના કર્મચારીઓએ પેરાલીગલ વોલન્ટરીયર્સે પણ આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રોજેક્ટ ઓફિસર રીતેશ મોઢ અને વૈભવ મોઢેએ પણ હાજર રહી સતત માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.
કાર્યક્રમના પ્રારંભે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા પ્રાર્થના રજૂ થઈ હતી. કલરવ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સિદ્દી નૃત્ય, નાલસા થીમ સોંગ - નાલસા સંકલ્પ ગીત, બેટી બચાવો, બેટી પઢાઓ થીમ આધારિત સાંસ્કૃત્તિક કાર્યકમ રજૂ કરી પરંપરાગત રીતે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જે.વી.દેસાઈ, વિવિધ જિલ્લાના ન્યાયાધીશો, ન્યાયિક અધિકારી - કર્મચારીઓ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading