અંકલેશ્વરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે GIDCની જમીન ફાળવવાની CMની જાહેરાત

News18 Gujarati
Updated: November 30, 2019, 4:10 PM IST
અંકલેશ્વરમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે GIDCની જમીન ફાળવવાની CMની જાહેરાત
ફાઇલ ફોટો

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારની પારદર્શી ઔદ્યોગિક નીતિને પરિણામે દહેજ PCPIRમાં એક લાખ કરોડથી વધુ મૂડી રોકાણ થયું છે

  • Share this:
અંકલેશ્વર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે અંદાજે રૂ. 881 કરોડના ખર્ચે આકાર પામનાર ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. આ જરૂરિયાતને પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગો માટે જરૂરી પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધીકરણથી તેને ઉપયોગયુક્ત બનાવવા માટે ૧૦૦ MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં આગામી ત્રીસ માસમાં નિર્માણ થશે.
આ ડિસેલિનેશન પ્લાન્ટ ૨૫ હેક્ટર વિસ્તારમાં આકાર પામશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં કુલ 555 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. આ ડીસેલિનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે.  તેમણે ભારત સરકાર દ્વારા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ અને ગુજરાતના દહેજ ખાતે પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટ(PCPIR) જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી દહેજ PCPIR દેશમાં સૌથી ઝડપી વિકસતું રીજીયન છે તેમ પણ ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્ય સરકારની પારદર્શી ઔદ્યોગિક નીતિને પરિણામે દહેજ PCPIRમાં એક લાખ કરોડથી વધુ મૂડી રોકાણ થયું છે. ગુજરાત સહિત દેશ-વિદેશની આંતરરાષ્ટ્રીય કંપનીઓ દહેજમાં પોતાના એકમો સ્થાપિત કરી રહી છે, જેને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે.

મુખ્યમંત્રીએ GIDC દ્વારા આગામી સમયમાં ઉદ્યોગોના નાના-મોટા પ્રશ્નો હલ કરવા માટે સંવાદ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે GIDCની પડતર જમીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફાળવવાની પણ જાહેરાત તેમણે કરી હતી.સહકાર રાજ્યમંત્રી  ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના સમુચિત વિકાસ માટે પ્રતિબધ્ધ છે. રાજ્યમાં ઉદ્યોગગૃહોને સિંગલ વિન્ડો દ્વારા એક જ સ્થળેથી પરવાનગીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દહેજ PCPIR ઝડપથી વિકસી રહ્યું છે. તેમણે પર્યાવરણની જાળવણી સાથે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું.  ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશનું વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યમાં ઉદ્યોગોને ઉત્તેજના આપવા નવી 16 GIDCની સ્થાપના કરવામાં આવી છે. દહેજ PCPIRમાં 1.80 લાખ લોકોને રોજગારી મળી રહી છે. આગામી સમયમાં 7 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर