અલ્પેશ રાઠોડ, ભરૂચ: આજકાલ લોકો પોતાના માતાપિતા (Parents)ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા પણ વિચાર કરતા નથી ત્યારે જંબુસર તાલુકાના ડાભા ગામે (Dabha Village) એક પુત્રએ તેના માતા-પિતાનું અનોખુ મંદિર (Temple) બનાવ્યું છે. આ મંદિરમાં મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ ચંપલ પણ દર્શન માટે રાખવામાં આવ્યા છે. માતા-પિતાનો આદર અને સન્માન કરવાની શીખ આ મંદિર આપી રહ્યું છે. આ મંદિર ખાતે અન્ય લોકો પણ આવીને શાંતિનો અનુભવ કરે છે.
વિગતે વાત કરીએ તો હાલ જ્યારે સમગ્ર વિશ્વ ડિજીટલાઈઝેશન તરફ જઈ રહ્યું છે, વિશ્વમાં કોઈની પાસે સમય નથી અને સંસ્કારો અને રીત-રિવાજોને જૂના પુરાણા માનવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં ડાભા ગામ ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગામ ખાતે સામાન્ય સાઇકલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્વ. બાબરભાઈ રોહિત તથા તેમનાં પત્ની સોનાબેન રોહિતનાં અવસાન બાદ તેમની યાદમાં તેમના દીકરા વલ્લભભાઈ રોહિતે તેમનું મંદિર બનાવ્યું છે.
વલ્લભભાઈ એક ખેડૂત અને વેપારી વ્યક્તિ છે. તેમને માતાપિતા પ્રત્યે ખૂબ જ આદર ભાવ છે. વર્ષે 2016માં વલ્લભભાઈના માતા સોનાબેન રોહિતનું નિધન થઈ ગયું. ત્યાર બાદ વર્ષ 2019માં તેમના પિતાનું અવસાન થતાં તેઓએ માતાપિતાની યાદમાં એમનું મંદિર બનાવ્યું હતું. વલ્લભભાઈનું કહેવું છે કે 33 કરોડ દેવી-દેવતાઓના સમગ્ર વિશ્વમાં મંદિર છે. માતાપિતા ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યાંય તેમના મંદિરો જોવા મળતા નથી. લોકોમાં માતા-પિતા પ્રત્યે આદરભાવ વધે એ માટે તેમણે મંદિરની સ્થાપના કરી છે.
વલ્લભભાઈ રોજ તેમના દિવસની શરૂઆત માતાપિતાના મંદિરે જઈ એમની પૂજા-અર્ચના સાથે કરે છે. એમના માતાપિતાના મંદિરમાં ફક્ત તેમની મૂર્તિઓ જ નહીં પરંતુ માતાપિતાના વસ્ત્રો અને બૂટ ચંપલ પણ છે. આ તમામ વસ્તુઓ વલ્લભભાઈનો તેમના માતાપિતા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ વાત એ તમામ લોકોને માટે એક શીખ સમાન છે જેઓ પોતાના માતાપિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે. આ મંદિર તમામ લોકોને માતાપિતાનો આદર અને સન્માન કરવાની શીખ આપે છે.