અલ્પેશ રાઠોડ, ભરુચ: ભરૂચના જાણીતા ડૉક્ટર (Doctor) અસ્લમ જહાં સાથે બ્લેકમેઇલિંગ (Blackmailing) થતા ચકચાર મચી જવા પામી છે. ક્લિનિકમાં કામ કરતી નર્સ (Nurse)ના પતિએ ખોટા આક્ષેપ કરી પૈસા પડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. નર્સના હોમગાર્ડ પતિએ પોલીસનો રોફ જમાવી રૂપિયા પડાવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ બહાર આવ્યા છે. ભરૂચ શહેરના એમ.જી રોડ પર આવેલી નામાંકિત હૉસ્પિટલના ડૉક્ટર અસ્લમ જહાંએ તેઓના જ ક્લિનિકમાં કામ કરતી ટ્રેનિંગ નર્સનાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પતિ સામે જાનથી મારી નાંખવાની તેમજ ખોટા આરોપો કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના એમ.જી રોડ પર આવેલ ડૉ.અસ્લમ જહાંના ક્લિનિકમાં ટ્રેનિંગ નર્સ તરીકે ફરજ બજાવતી વહીદા વલ્વી તેઓની ફરજ દરમિયાન કોરોના પ્રોટોકોલ સહિતની બાબતોમાં નિષ્કાળજી દાખવતા હોવાથી તેઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
જે બાદ વહિદા વલ્વીના પતિ અનિલે હૉસ્પિટલમાં જઈ ડૉકટર અસ્લમ જહાંને તમાચો અને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં તાલિમી નર્સના હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પતિએ ડૉકટર અસ્લમ જહાં સામે ખોટા આક્ષેપો કરી જાનથી મારી નાંખવા ધમકી આપવાની સાથે સાથે એટ્રોસીટી જેવા કેસમાં અંદર કરાવવાની ધમકીઓ આપી રૂપિયા પડાવી લીધી હતા.
આ મામલે ડૉક્ટર અસ્લમ જહાંએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પૂર્વ ટ્રેનિંગ નર્સના પતિ અનિલ રતિલાલ પરમાર સામે ફરિયાદ દાખલ કરવી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ડૉક્ટરની ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.