હેમંત ગામિત, તાપી: રાજ્યમાં (Gujarat) અનેક શિક્ષિત બેરોજગારો નોકરીની રાહમાં વર્ષો વીતાવતા હોય છે. ત્યારે તાપીના એક આદિવાસી મહિલા (Aatmanirbhar Adivasi woman) કૌશલ્ય તાલીમ લઇને પોતાના પગભર થયા છે. જિલ્લામાં વ્યારાના કપુરા ગામમાં દેવલપાડા ફળિયામાં રહેતા આદિવાસી મહિલા ઇન્દુબેન રમણભાઇ ગામીત પોતાની રીતે રોજગારી મેળવી રહ્યા છે. આ આદિવાસી મહિલા છેલ્લાં ત્રણ વર્ષથી વિવિધ જડીબુટ્ટીના ઉપયોગથી પોતાનાં ઘરે આયુર્વેદિક કેસ તેલ બનાવીને ખુબ જ સારી આવક મેળવી રહ્યા છે. ઇન્દુબેને બનાવેલા આયુર્વેદિક કેસ તેલનું વેચાણ વ્યારા સહિત રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં થાય છે.
ઇન્દુબેન રમણભાઇ ગામીતે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કેશ તેલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ લીધી છે. માત્ર રાત્રિ શાળામાં શિક્ષણ મેળવનારા ઇન્દુબેન આયુર્વેદિક કેસ તેલ તેમજ દવા બનાવી જાતે પગભર તો બન્યા છે. આ સાથે બેરોજગાર મહિલાઓને રોજગારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. ઇન્દુબેને કપુરા ગામની 30 જેટલી મહિલાઓ સાથે કેવીકે મારફતે આયુર્વેદિક કેસ તેલ બનાવવાની તાલીમ લીધી હતી. તાલીમ લેનાર 30 પૈકી એકલા ઇન્દુબેન જ કેસ તેલ બનાવવામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેને પગલે ઇન્દુબેનને કેવીકે તરફથી એવોર્ડ પણ એનાયત થયો છે.
ઇન્દુબેનન આ ઉપરાંત અન્ય 17 જેટલાં જુદા જુદા પ્રમાણપત્રો પણ મેળવી ચૂક્યા છે. ઇન્દુબેન દ્વારા બનાવવામાં આવેલું આયુર્વેદિક કેસ તેલને ખરીદવા દૂર દૂરથી લોકો આવતાં હોય છે. તેમજ છેક અમેરિકા કેનેડાથી પણ કેસ તેલના ઓર્ડર મળી રહ્યા છે. આ તેલ ખાસ કરીને ચામડીના રોગો તેમજ ખરતા વાળને અટકાવવામાં તેમજ માથામાં ટાલ પડેલા ભાગનાં નવા વાળ ઉગાડવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
આ કેશ તેલ સારી ગુણવત્તાની સાથે સસ્તું પણ પડતું હોવાથી દૂર દૂરથી લોકો ઇન્દુબેનના ઘરે તેલ લેવા માટે પણ આવે છે. વ્યારા ખાતેની કેવીકે મારફતે હાલ તાપી જિલ્લાની અન્ય 36 જેટલી મહિલાઓને પણ આયુર્વેદિક તેલ બનાવવા માટે માર્ગદર્શન અને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે વધુમાં વધુ મહિલાઓ રોજગારી માટે યોગ્ય તાલીમ મેળવીને આત્મનિર્ભર બને તે વ્યારા કેવીકે દ્વારા જિલ્લાની બહેનોને હાંકલ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર