સામાન્ય રીતે યોગનું નામ પડે એટલે સૌને યોગનાં આસનો યાદ આવે કોઈ થોડું આધ્યાત્મિક હોય તો અનુલોમ વિલોમ વગેરે પ્રાણાયામ યાદ આવે, કોઈ વધુ જાણકાર હોય તો ધ્યાનની મુદ્રામાં બેઠેલા કોઈ સાધક યાદ આવે. પરંતુ સત્ય અલગ છે. યોગ વિશાળ સમુદ્ર જેવું છે. આ ઉપર જણાવેલ ક્રિયાઓ તો માત્ર અનંત સાગરનાં અમુક શ્રેષ્ઠ મોતી માત્ર છે.
યોગ એક સાધના પધ્ધતિ છે, વ્યાયામની પધ્ધતિ કદાપિ નહીં. જો યોગ દર્શનનો સર્વશ્રેષ્ઠ ફાયદો પ્રાપ્ત કરવો હોય તો તેને ધ્યાનાત્મક રુપે કરવામાં આવે તો જ મળે.
ધ્યાનાત્મક કરવું તેનું તાત્પર્ય તેટલું જ છે કે જે કોઈ પણ ક્રિયા કરો ધીરે ધીરે કરો, અનુભવ સાથે કરો, સજાગતા સાથે કરો, એકાગ્રતા સાથે કરો. કોઈ જલ્દી નહીં, કોઈ ઉતાવળ નહીં. સહજતા પુર્વક, શરીર અને મન જેટલો સાથ આપે તે મુજબ. બધી જ ક્રિયા આસન, પ્રાણાયામ, સવાસન, ધ્યાન, મંત્રોચ્ચાર વગેરે કોઈ પણ આ રીતે કરો તો કહેવાય, યોગ કરી રહ્યા છો, નહિ તો સમજવું અયોગ યોગ ના નામે થઈ રહ્યું છે.
ધ્યાનની સર્વોચ્ચ કક્ષાએ પહોંચવું મતલબ સમાધી અવસ્થા પ્રાપ્ત કરવી માત્ર તે જ યોગનાં અલગ અલગ ક્રિયાઓ કરવાનો ઉદ્દેશ છે. અલગ અલગ ઋષિઓએ જે તે સમયની જરુરીયાત અનુસાર પોતપોતાના યોગનાં ગ્રંથોમાં યોગનાં અલગ અલગ અંગોનું વિવરણ કર્યું. પતંજલિ મુનિએ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં યોગસુત્ર નામનાં ગ્રંથમાં આઠ અંગોનું વર્ણન કર્યું. સ્વાત્મારામ દુબેએ ૧૪મી સદીમાં હઠયોગ પ્રદિપીકા નામનાં ગ્રંથમાં ચાર અંગોનું વર્ણન કર્યું. ૧૭મી સદીમાં ઘેરંડ સંહીતા નામનાં ગ્રંથમાં ઘેરંડ ઋષિએ સાત અંગોનું વર્ણન કર્યું. આમ જોવા જઈએ તો યોગ દર્શન પુરાતન તેમજ ઋષિઓનું માન્ય દર્શન છે.
પુરાતન સમયમાં યોગાભ્યાસ દૈનિક ક્રમનો ભાગ હતો. ગુરુ-શિષ્ય પરંપરામાં નિત્ય ક્રમ બાદ ગુરૂજીનાં માર્ગદર્શનમાં યોગાભ્યાસ કરાવવામાં આવતો. આજની તારીખે પણ અનેક આદર્શ ગુરુકુળમાં આ પ્રથા યથાવત છે, જેનાથી શિષ્ય ત્રિવિધ તાપથી સહજ મુક્ત થઈ જાય છે.
આજના સમયમાં ચાલતા સ્ટુડિયો, સેન્ટર કે સંસ્થામાં ચાલતા યોગાભ્યાસ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પરિણામ છે. બાકી પુરાતન સમયની વાત કરવામાં આવે તો ગુરુ-શિષ્ય પરંપરાથી શિષ્ય યોગાભ્યાસ શીખે અને આજીવન જાતે અભ્યાસ કરે, યોગ-સાધના કરે. આવતી વખતે આપણે હજી વિશેષ ઉંડાણપૂર્વક ચર્ચા કરીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર