વોશિંગટનઃ અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડ (George Floyd Death)ના પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાદ અમેરિકા (US)માં ચાલી રહેલા પ્રદર્શનની તપાસ હવે વ્હાઇટ હાઉસ પહોંચી ગઈ છે. ગત શુક્રવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તા વ્હાઇટ હાઉસ (White House)ની બહાર એકત્ર થઈ ગયા, ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને સુરક્ષાને ધ્યાનમાં લઈ બન્કરમાં લઈ જવામાં આવ્યા. મીડિયામાં પ્રકાશિત માહિતી મુજબ, પ્રદર્શનકર્તાઓની ભીડ અચાનક આવી જવાથી વ્હાઇટ હાઉસમાં દોડાદોડી થઈ ગઈ. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પને પણ બન્કરમાં છુપાવું પડ્યું હતું.
‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસની બહાર સ્થિતિ કાબૂમાં ન આવી ત્યાં સુધી ટ્રમ્પને બન્કરમાં રાખવા પડ્યા. ટ્રમ્પ લગભગ એક કલાકથી વધુ સમય સુધી બન્કરમાં જ રહ્યા હતા. જોકે એ સ્પષ્ટ નથી થયું કે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને બેરોન ટ્રમ્પને બન્કરમાં લઈ જવામાં આવ્યા હતા કે નહીં. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ રાષ્ટ્રપ્રમુખના સમગ્ર પરિવારને આવી સ્થિતિમાં બન્કરમાં શિફ્ટ કરવામાં આવે છે. જોકે ટ્રમ્પે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ઉકેલ માટે નેશનલ ગાર્ડ અને સીક્રેટ સર્વિસના ઘણા વખાણ કર્યા છે.
જોકે, શનિવારે વ્હાઇટ હાઉસની બહાર ઘણી તકેદારી રાખવામાં આવી હતી. શનિવારે પણ પ્રદર્શનકર્તા વ્હાઇટ હાઉસની બહાર એકત્ર થયા પરંતુ પોલીસે થોડીક જ મિનિટોમાં તેમને ટિયરગેસના શૅલ છોડી અને લાઠીચાર્જ કરીને હટાવી દીધા. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટ ગવર્નર પોતાના સમર્થકોને વ્હાઇટ હાઉસની બહાર એકત્ર થવા અને ઉગ્ર પ્રદર્શન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. શનિવારે વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પના સમર્થકો પણ પહોંચી ગયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. ટ્રમ્પે આ ઘટના બાદ અનેક ટ્વિટ પણ કર્યા અને જણાવ્યું કે કેવી રીતે સીક્રેટ સર્વિસે વ્હાઇટ હાઉસને એક કિલ્લામાં ફેરવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે વ્હાઇટ હાઉસની બહાર થયેલા લાઠીચાર્જની મંજૂરી પણ વોશિંગટન ડીસીના ગવર્નર મુરિયલ બોસરે જ આપી હતી.