નવી દિલ્હી: તામિલનાડુના ચેન્નાઈ (Chennai- Tamil Nadu)માં હેરાન પમાડતી એક ઘટના સામે આવી છે. સાંભળતા તમને લાગશે કે આ કોઈ કૉમેડી ફિલ્મની સ્ટોરી છે, પરંતુ આ ઘટનાને બે ભાઈઓએ અંજામ આપ્યો છે. હકીકતમાં બંને ભાઈઓના પિતા એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં બંને અભિનેતાનો રોલ કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન પૈસાની તંગી ઊભી થાય છે. પૈસા મેળવવા માટે બંને ભાઈઓ બકરી ચોર (Goat Thief) બની ગયા હતા. જોકે, પોલીસે હવે બંનેની ધરપકડ કરી લીધી છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી બકરીઓની ચોરી કરી રહ્યા છે.
બંને ભાઈઓની ઓળખ 30 વર્ષીય નિરંજન કુમાર અને 32 વર્ષીય લેનિન કુમાર તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પિતા વિજય શંકર એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ 'ની થાન રાજા' છે. આ ફિલ્મમાં બંને દીકરા અભિનય કરી રહ્યા છે. પૈસાની તંગીને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકી ગયું હતું.
બકરી ચોરવા માટે બંને ભાઈઓ કાર લઈને ચેંગલપેટ, માધવરમ, મિંજૂર અને પોન્નરી તરફ જતા હતા. અહીં રસ્તા કે જંગલમાં ફરી રહેલી બકરીઓની ચોરી કરી લેતા હતા. આ દરમિયાન તેઓ દિમાગનો ઊપયોગ કરીને એક કે બે જ બકરી ચોરતા હતા. કારણ કે તેઓનું માનવું હતું કે એક કે બે બકરીની ચોરી થવા પર કોઈ ફરિયાદ નહીં કરે. બકરીઓની ચોરી કરીને તેઓ તેમને કારમાં લઈ જતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ એક દિવસમાં આશરે આઠ બકરીની ચોરી કરતા હતા. આ બકરીઓને તેઓ આઠ હજાર રૂપિયા પ્રતિ બકરી લેખે વેચી દેતા હતા. પરંતુ 9ની ઓક્ટોબરના રોજ બંનેના ભાગ્યએ તેમનો સાથે આપ્યો ન હતો. બંને માધવરમના પલાનીમાં બકરી ચોરવા માટે ગયા હતા. પરંતુ જેની બકરી ચોરી હતી તેની પાસે ફક્ત છ જ બકરી હતી. આથી આ વ્યક્તિ પરેશાન થઈને પોલીસ પાસે પહોંચી ગયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને બંને ભાઈઓના કાળા કામ જાહેર થઈ ગયા હતા. બાદમાં પોલીસને માલુમ પડ્યું હતું કે આ વિસ્તારમાં અનેક લોકોની એક કે બે બકરી ગુમ હતી. જે બાદમાં પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં બંનેને પકડવા માટે તૈનાત થઈ ગયા હતા. નવમી ઓક્ટોબરના રોજ બંને ભાઈઓને પોલીસે બકરી ચોરતા પકડી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર