નવી દિલ્હી : યસ બેંક (Yes Bank Account Holders)ના ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. ભારતીય મધ્યસ્થ બેંક (Reserve Bank of India) યસ બેંકના ખાતાધારકો પર ખાતામાંથી 50 હજાર રૂપિયા જ ઉપાડવાની મર્યાદા (Yes Bank Cash Withdrawal Limit)બહુ ઝડપથી હટાવી શકે છે. આરબીઆઈ (RBI) એક અઠવાડિયામાં પૈસા ઉપાડવા પર લાગેલી મર્યાદા હટાવી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકે ગુરુવારે યસ બેંકમાંથી ત્રીજી એપ્રિલ સુધી 50 હજાર રૂપિયા જ ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી. હાલ ગ્રાહકો (Yes Bank Customer) પોતાના ખાતામાંથી 50 હજારથી વધારે રકમ ઉપાડી શકતા નથી. આરબીઆઈએ યસ બેંકના થાપણદારોને એ વાત અંગે ધરપત આપી છે કે જે પણ નિર્ણય લેવામાં આવશે, તેમાં તેમનાં હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે.
સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો, અનેક જગ્યાએ દરોડાં
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) યસ બેંક મામલામાં દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં DHFLના અનેક ઠેકાણાં પર દરોડાં પાડ્યા હતા. CNN News18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીના અનેક ઠેકાણાં પર દરોડાં કર્યા છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે સીબીઆઈએ ઓછામાં ઓછા સાત ઠેકાણે દરોડાં કર્યાં છે. દરોડાંના મોટાભાગના ઠેકાણાં મુંબઈના છે.
યસ બેંકનું સંચાલન સ્ટેટ બેંકના હાથમાં આવતાની સાથે જ યસ બેંક સાથે જોડાયેલી લિક્વિડિટી અને વૉયલિબિટીની ચિંતા સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પૈસાની નિકાસ પર પ્રતિબંધથી નકારાત્મક અસર પડી શકે છે. આથી પૈસા ઉપાડવાની મર્યાદાને ત્રીજી એપ્રિલ પહેલા જ ખતમ કરવામાં આવી શકે છે. આરબીઆઈ પહેલા 16 માર્ચના રોજ પૈસા કાઢવાની મર્યાદા ઉઠાવી લેવાનો વિચાર કરી રહી હતી. જોકે, બેંકના AT1 બૉન્ડ હોલ્ડર્સ સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે. આથી આ મામલે એક અઠવાડિયું ખેંચાશે તેવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. આથી તારીખને એક અઠવાડિયા સુધી આગળ વધારવામાં આવી છે.