રાજકોટ : એક વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર સિરીયલ કિલર (Serial killer) નિલેશ ઉર્ફે નિલયની (Nilesh/Nilay) ક્રાઇમ બ્રાંચે (Rajkot crime Branch) ધરપકડ કરી લીધી છે. નિલેશ નામનો આ સિરિયલ કિલરે 6 હત્યા કરી હતી. તે બ્લેડથી હત્યાઓને અંજામ આપતો હતો. તેને આ કેસોમાં આજીવન કેદની સજા થઇ હતી. આ હત્યારાની ધરપકડનાં કારણે વધુ ગુનાઓ પણ ઉકેલાવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
સિરીયલ કિલર સામે 6 હત્યા સહિત 28 ગુના નોંધાયેલા
નોંધનીય છે કે, ગત વર્ષે શહેરનાં રૈયારોડ પર આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન કોમ્પલેક્સનાં એપાર્ટમેન્ટમાં એકલા રહેતા વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.વ.78)ની તેમના જ ઘરમાંથી ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી હતી. શરીર પરથી સોનાના તમામ ઘરેણા અને પર્સ ગાયબ હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ લૂંટનો હોવાના તારણ સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ રીતે ગળુ કાપીને હત્યા કરવાની ટેવ ધરાવતો સિરીયલ કિલર નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા જેલમાં સજા ભોગવી રહ્યો હોવાથી કોઇ નવા અપરાધીનું કૃત્ય હોવાની શંકા હતી. પરંતુ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા પોલીસ દંગ રહી ગઇ. એપાર્ટમેન્ટમાંથી ભાગી રહેલા શખ્સો પૈકી એક શખ્સ નિલય ઉર્ફે નિલેશ હતો. નિલયે માત્ર થોડા જ રુપિયા માટે છ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી ગળુ કાપીને હત્યા કરી હતી. સિરીયલ કિલર સામે 6 હત્યા સહિત 28 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.
સિરીયલ કિલરે રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. જેમાં પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. છેલ્લા એક વર્ષથી સિરીયલ કિલરને શોધતી પોલીસને સફળતા મળી હતી.