નવી દિલ્હી : પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટર શાહિદ અફ્રિદી (Shahid Afridi) છેલ્લા ઘણા દિવસોથી સમાચારમાં છે. ગત દિવસોમાં પાકિસ્તાન (Pakistan) કબજાવાળા કાશ્મીરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ ઝેર ઓકવા બદલ તે તમામ લોકોના નિશાને આવ્યો હતો. આ દરમિયાન આફ્રિદીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આફ્રિદી દાવો કરી રહ્યો છે કે થોડા સમય પહેલા કાશ્મીરના ક્રિકેટર મીર મુર્તઝા (Mir Murtaza) પાકિસ્તાન આવ્યો હતો. તેના દાવા પ્રમાણે કાશ્મીરના અનંતનાગનો રહેવાશી મુર્તઝા વાઘા બૉર્ડરના રસ્તે પાકિસ્તાન આવ્યો હતો અને અહીંથી કરાચી ગયો હતો. અફ્રિદીના કહેવા પ્રમાણે મુર્તઝા તેના ઘર પર ત્રણ મહિના સુધી રહ્યો હતો.
આ દરમિયાના આફ્રિદીએ મુર્તઝાને ક્રિકેટની ટિપ્સ અને તાલિમ આપી હતી. ભારત વિરુદ્ધ ઝેર ઓકીને ન્યૂઝમાં રહેતા આફ્રિદીનું કહેવું છે કે મીર મુર્તઝા ખૂબ હોંશિયાર ખેલાડી છે. આફ્રિદીએ કહ્યુ કે હું દુનિયાના તમામ ક્રિકેટરોની મદદ માટે હાજર છું. જે કોઈ મારી પાસેથી શીખવા માંગે છે, તે તમામનું સ્વાગત છે. જો મુર્તઝાએ ભવિષ્યમાં વધારે તાલિમની જરૂર છે તો હું તેને બધું શીખવવા માટે તૈયાર છું. હું તેને ઉત્તમ કોચિંગ અપાવવા માટે પણ મદદ કરીશ.
આફ્રિદીએ કહ્યુ કે મીર મુર્તઝા કાશ્મીરમાંથી આવતો પ્રથમ કાશ્મીરી ક્રિકેટર છે. આફ્રિદીનું કહેવું છે કે મુર્તઝા મારા ઘરે આવ્યો હતો. તે સારો છોકરો છે. તે ખૂબ મહેનત કરી રહ્યો છે.
જ્યારે લાહોર કલંઘરના ડિરેક્ટર આતિફ નઈમ રાણાએ મીર મુર્તઝાનું સ્વાગત કર્યું છે. જોકે, આ વીડિયો પર સવાલ ઊઠી રહ્યા છે કે ભારતમાંથી કોઈ કેવી રીતે પાકિસ્તાન જઈ શકે. આફ્રિદીના આ વીડિયોમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરી રહ્યું. મુર્તઝાને પાકિસ્તાનના વિઝા કેવી રીતે મળ્યાં સહિતના અનેક સવાલ ઊભા થયા છે.