નવી દિલ્હીઃ ચીનની સાથે સરહદ પર તણાવ (India-China Border Tension)ની વચ્ચે કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગોપનીયતાનો હવાલો આપતાં મોટું પગલું ભર્યું છે. સરકારે લોકપ્રિય ચાઇનીજ એપ ટિકટૉક (TikTok), હેલો અને વીચેટ સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર તરફથી પ્રતિબંધ લગાવવાન જાહેરાત કરતાં કહેવામાં આવ્યું કે ડેટા સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓ અને 130 કરોડથી વધુ ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ હતી. તેનાથી આપણા દેશની સંપ્રભુતા અને સુરક્ષાનો પણ ખતરો છે. જોકે, અધિકારીઓનું માનીએ તો આ પગલા પાછળ ‘મેડ ઇન ઈન્ડિયા’ના કેમ્પેનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે. ભારતે ચીનની ટિકટૉકની ટક્કરમાં આવેલી દેશી એપ ચિંગારી (Chingari) લાવીને નવી ઝલક પણ દર્શાવી દીધી છે.
ચિંગારી પણ ટિકટૉકની જેમ શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. લૉન્ચ થવાના 72 કલાકમાં તે 5 લાખથી વધુ વાર ડાઉનલોડ્સ થઈ ચૂકી છે. આ એપના ડેવલપર્સે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયા એપની લોકપ્રિયતા સતત વધી રહી છે, કારણ કે યૂઝર્સ ચાઇનીઝ સોશિયલ એપ્સને બૉયકોટ કરી રહ્યા છે. ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈનિકોની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ ભારતમાં સતત ચીની માલને બૉયકોટ કરવાનું કેમ્પેન તેજ થઈ રહ્યું છે. ચીન સાથેના ઘર્ષણમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ 59 કંપનીઓમાં કામ કરનારા અનેક હજાર લોકો બેરોજગાર થઈ જશે. એક અંદાજ મુજબ લગભગ 10થી 12 હજાર લોકો આ 59 કંપનીઓમાં કામ કરી રહ્યા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આવું નહીં થાય. ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાગતા હવે ભારતીય ડેવલપર્સની પાસે આત્મનિર્ભર થવાની સારી તક છે. નોંધનીય છે કે, ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધના ન્યૂઝ ફેલાયા બાદથી દેશી એપ ચિંગારી ખૂબ જ મોટાપાયે ડાઉનલોડ થઈ રહી છે.