LPG રસોઈ ગેસ પર સબસીડી કેમ નથી મળી રહી? જાણો કંપનીઓએ શું કહ્યુંસપ્ટેમ્બર મહિનો શરુ થતા જ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર (LPG Price)ના ભાવમાં વધારો થયો છે. ત્યારે દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) સબસિડી વગરના 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે. તો બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એટલું જ નહીં સૌથી વધારે પરેશાની તો એલપીજી પર સબસિડી ન મળવાથી થઇ રહી છે. ત્યારે હવે એલપીજી સબસિડી અંગે MoPNG e-Seva તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, MoPNG e-Seva એ ગેસ અને ઓઇલ ક્ષેત્ર સાથે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે એક સત્તાવાર પ્લેટફોર્મ છે. MoPNG e-Sevaએ તેના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને એલપીજીની સબસિડી અંગે માહિતી આપી છે.
જાણો, કેમ નથી મળતી સબસીડી
આ અંગે ફરિયાદ કરતા એક ટ્વિટર યુઝરે ટ્વિટ કરીને પૂછ્યું કે- "છેલ્લા 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અમને એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી હજી સુધી મળી નથી. આ અંગે મેં ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ પણ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન મળ્યો."
ત્યારે MoPNG e-Sevaએ આ યુઝરના ટ્વીટનો જવાબ આપીને સબસીડીના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો. MoPNG e-Sevaએ ટ્વિટ કરીને લખ્યું- "પ્રિય ગ્રાહક, મે 2020થી સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ તફાવત નથી રહ્યો, તેથી કોઈપણ ગ્રાહકને સબસિડીની રકમ ટ્રાન્સફર નથી કરવામાં આવી રહી."
આગામી સમયમાં સબસીડી મળશે કે કેમ, તે માટે કરો આ કામ
અન્ય ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, આગામી સમયમાં સબસીડી ઉપલબ્ધ થશે કે કેમ. ત્યારે MoPNG e-Sevaએ ટ્વીટ કરીને ગ્રાહકની ડિટેલ્સ માંગી હતી. MoPNG e-Sevaએ ટ્વિટ કરીને લખ્યું- તમારી સહાય માટે કૃપા કરીને અમને તમારો 16 અંકનો LPG ID, એજન્સીનું નામ, જિલ્લા, સ્થાન અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અમને આપો. જો તમે પણ તમારી સબસિડીની સ્થિતિ જાણવા માગો છો, તો તમે આ કામ કરી શકો છો.
છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકો વિચારી રહ્યા છે કે, તેમના ખાતામાં એલપીજીની સબસિડી કેમ નથી આવી રહી. જેનો જવાબ આજે સત્તાવાર રીતે મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં એલપીજીની કિંમતોમાં વધારો થાય, તે પહેલા 18 ઓગસ્ટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર