મુંબઈ : ડેવિડ વોર્નર (128) અને એરોન ફિન્ચ (110)ની અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની પ્રથમ વન-ડેમાં 10 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયા 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 37.4 ઓવરમાં વિના વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી વન-ડે 17મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
વોર્નર અને ફિન્ચે પ્રથમ વિકેટ માટે અણનમ 258 રનની ભાગીદારી કરી શાનદાર જીત અપાવી હતી. વોર્નરે 112 બોલમાં 17 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 128 અને ફિન્ચે 114 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 110 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોની વાનખેડેમાં કોઇપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. છેલ્લા 15 વર્ષોમાં ભારતીય ટીમનો 10 વિકેટે આ પ્રથમ પરાજય છે. આ પહેલા 2005માં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે 10 વિકેટે પરાજય થયો હતો.
વોર્નર અને ફિન્ચે પ્રથમ વિકેટ માટે ભારત સામે કોઈપણ ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન અને હર્ષલ ગિબ્સના નામે હતો. બંનેએ 2000માં કોચ્ચિમાં આ ભાગીદારી કરી હતી.
ટીમ ઇન્ડિયાનો ફ્લોપ શો
ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 74 અને લોકેશ રાહુલે 47 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યો ન હતો. રોહિત (10), વિરાટ કોહલી (16), ઐયર (4), પંત (28) અને જાડેજા (25) વધારે ટકી શક્યા ન હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર