કોરોનાવાયરસની મહામારી અને લોકડાઉનમાં અનેક લોકોના ધંધા-પાણી ઠપ થઈ ગયા છે. હજુ પણ કોરોનાની મહામારી રાજ્ય સહિત પૂરા વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. આ મહામારીના સમયમાં સૌથી વધારે ફટકો ખાણી-પીણી બજારને પડ્યો છે, કારણ કે, લોકડાઉન તો હટાવી લેવામાં આવ્યું છે પરંતુ લોકો કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે બહારનું ખાવાથી ડરે છે. ત્યારે બનાસકાંઠાના એક યુવાને લોકોની મનપસંદ પાણીપુરીનું વેન્ડિંગ મશીન બનાવ્યું છે. ચીન સાથેની યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્ન અને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું આ મશીન ગુજરાતના યુવાનની સીમા ચિહ્નરૂપ શોધ છે.
ત્યારે લોકડાઉનના સમયમાં એક 10 ધોરણ પાસ વ્યક્તિએ નવરાશના સમયનો સદઉપયોગ કરી એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવી દીધુ છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી મનપસંદ પકોડી ખાઈ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિ(ઉંમર 32)એ એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું છે. આ એટીએમ મશીનમાં પૈસા નાખવાથી તમારી મનપસંદની પકોડી એક-એક કરી બહાર આવે છે, જે ગ્રાહક જાતે જ ઉઠાવી ખાઈ શકે છે.
આ મશીન એક એટીએમ સિસ્ટમ જેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. પ્રજાપતિના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની.
લખ્યા બાદ ગ્રાહકે, મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની, એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું. એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે, જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.
આ મશીન બનાવતા તેમને લગભગ 5-6 મહિના જેટલો સમય લાગ્યો છે. તેમણે વેસ્ટ વસ્તુઓમાંથી એક બેસ્ટ મશીન તૈયાર કર્યું છે. આ મશીન કોરોનાવાયરસના સમયમાં લોકોને હાઈજેનિક રીતે પકોડી ખવડાવશે.
રવિયાણા જેવા નાનકડા ગામમાં રહેતા ભરતભાઈ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો છે. તેઓ ઈલેક્ટ્રીક મોબાઈલની દુકાન ચલાવે છે. તેમને પરિવારમાં 3 છોકરા છે. તેમને લોકડાઉન પહેલા જ આ પ્રકારનું મશીન બનાવવાનો આઈડીયા આવ્યો હતો, એવામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, બસ આ સમયે નવરાશનો સદઉપયોગ કરી કામે લાગી ગયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર