નવી દિલ્હી : જો તમારું બચત ખાતું (Saving Accounts) દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)માં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. તમારે આ ન્યૂઝ જાણી લેવા જોઇએ નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. હકીકતમાં ICICI બેંક 15 ડિસેમ્બરથી કેશ ટ્રાન્ઝેક્શન પર તમારે વધારે ચાર્જ ચુકવવો પડશે.
આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, કેશ ટ્રાન્ઝેક્શનમાં જમા અને ઉપાડવામાં આવેલી રકમ સામેલ છે. કાયમી બચતખાતા ધારાકોને બેંક પોતાની બ્રાંચમાં એક નિર્ધારિત સંખ્યામાં ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. બેંક અલગ અલગ ખાતા પર અલગ અલગ ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરે છે. આ લિમિટને પાર કરતા બેંક ખાતાધારકોએ વધારે ચાર્જ ચૂકવવો પડે છે.
કેશ ટ્રાન્ઝેક્શન માટે કેટલો ચાર્જ ચુકવવો પડશે :-
મર્યાદા : ગ્રાહક દર મહિને કાયમી બચત ખાતામાંથી ચાર વખત મફતમાં પૈસા જમા કે ઉપાડી શકે છે. જે બાદમાં પ્રતિ વ્યવહાર 150 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.
રકમની મર્યાદા : ગ્રાહકો પોતાની હોમ બ્રાંચમાં જમા તેમજ ઉપાડ મળીને ખાતામાંથી દર મહિને 2 લાખ રૂપિયા કોઈ પણ ચાર્જ વગર કાઢી શકે છે. બે લાખથી વધારે રકમના કેસમાં પ્રતિ 1000 રૂપિયે 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે. આ ચાર્જ ઓછામાં ઓછો 150 રૂપિયા હશે. જ્યારે નૉન-હોમ બ્રાંચના કેસમાં એક દિવસમાં 25,000 રૂપિયા સુધી કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. 25,000થી વધારેના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ 1000 રૂપિયા 5 રૂપિયાના હિસાબે ચાર્જ ચુકવવો પડશે, આ ચાર્જ મિનિમમ 150 રૂપિયા હશે.
ICICI બેંકે કેશ ટ્રાન્ઝેક્શન ઉપરાંત એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જમાં પણ બદલાવ કર્યો છે. વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બેંક ખાતાધારકો માટે મહિનામાં પાંચ નાણાકીય વહેવાર કોઈ પણ ચાર્જ ચુકવ્યા વગરના રહેશે. જે બાદમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. નાણાકીય વહેવારમાં પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમામ નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. જેમાં જમા રકમની ચકાસણી, મીની સ્ટેટમેન્ટ, પીન જનરેટ વગેરે સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર