Home /News /samachar /

યુવતીઓ કથિત રીતે ગાયબ થવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, માતા-પિતાએ હેબિયસ કોર્પસ કરી

યુવતીઓ કથિત રીતે ગાયબ થવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, માતા-પિતાએ હેબિયસ કોર્પસ કરી

બે દીકરીઓના લાચાર પિતાએ પુત્રીઓને મળવા દેવા, વાત કરવા અને તેમનો કબજો મેળવવાની દાદ માગતી હેબિયસ કોર્પસ અરજી કરી છે.

બે દીકરીઓના લાચાર પિતાએ પુત્રીઓને મળવા દેવા, વાત કરવા અને તેમનો કબજો મેળવવાની દાદ માગતી હેબિયસ કોર્પસ અરજી કરી છે.

    બે યુવતીઓના કથિત રીતે ગાયબ થવાના મામલે વિવાદમાં આવેલા હાથીજણ સ્થિત યોગીની સર્વજ્ઞપીઠમ આશ્રમનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં બે દીકરીઓના લાચાર પિતાએ પુત્રીઓને મળવા દેવા, વાત કરવા અને તેમનો કબજો મેળવવાની દાદ માગતી હેબિયસ કોર્પસ અરજી કરી છે. આ અરજી સોમવારના રોજ હાઇકોર્ટની રજીસ્ટ્રીમાં ફાઇલ કરી દેવામાં આવી છે, જ્યારે કે તેની અરજન્ટ સુનાવણી માટે મંગળવારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેથી સંભ‌વત: કેસની સુનાવણી મંગળવાર અથવા બુધવારના રોજ નીકળી શકે છે.

    આ સમગ્ર મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે બંને દીકરીઓને છેલ્લાં કેટલાક દિવસથી મળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ, આશ્રમના સત્તાધીશો તેમને મળવા દેતા નથી અને કસ્ટડી પણ સોંપતા નથી. અરજદારે બંને પુત્રીઓને અભ્યાસના આશયથી સ્વામી નિત્યાનંદના આશ્રમમાં મુકી હતી. પરંતુ આજદિન સુધી તેમને પુત્રીઓથી મળવા જ દેવામાં આવ્યા નથી. તેથી હાઇકોર્ટ આ દીકરીઓની કસ્ટડી અપાવવા માટે હસ્તક્ષેપ કરે એવી દાદ માગવામાં આવી છે. અરજદાર દ્વારા રિટમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે રીતે તેમની બે દીકરીઓને બાળ મજૂરીમાં ધકેલી દેવાઇની દહેશત છે, એવી જ રીતે આશ્રમના અન્ય માઇનોર બાળકો સાથે પણ આવી ઘટના બની હોવાની શંકા છે. તેથી ચાઇલ્ડ વેલ્ફેર કમિશનને તમામ બાળકો સંદર્ભે તપાસ કરવાનો આદેશ કરવાની માગ પણ કરવામાં આવી છે.

    આ કેસની હકીકત એવી છે કે ૨૦૧૩માં પિતાએ સારા અભ્યાસ ઉપરાંત સંસ્કૃતિ સભ્યતાનું શિક્ષણ અપાવવાના આશયથી તેમના ચાર બાળકો (લોપમુદ્દા અને નંદીથા કે જેમને હાજર કરવા રિટ કરાઇ છે તેમના સહિત)ને બેંગલુરુના નિત્યાનંદના ગુરુકુલમાં મુક્યા હતા. ૨૦૧૯માં તેમને જાણ થઇ કે કોઇ કારણોસર તેમના બાળકોને અમદાવાદના હાથીજણ ખાતેની ડીપીએસ સ્કૂલના સંકુલમાં આવેલા યોગીની સર્વજ્ઞપીઠમ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેથી પાંચમી ઓક્ટોબરે બાળકોની માતા તેમને મળવા અમદાવાદ આવી હતી. પરંતુ બાળકો આધ્યાત્મિક અવસ્થામાં હોવાનું કહી તેમને મળવા દેવાયા નહોતા. ત્યારબાદ દીકરીઓના પિતા પણ આવ્યા હતા પણ તેમને પણ મળવા ન દેવાતા તેઓ તામિલનાડૂ પરત ફર્યા હતા.

    માતા-પિતાને સતત ચિંતા અને શંકા થતાં તેઓ ફરી એકવાર પહેલી નવેમ્બરે આશ્રમ આવી પહોંચ્યા હતા. પરંતુ તેમને મળવા દેવાયા નહોતા તેથી તેમણે સ્થાનિક પોલીસમાં લેખિત અરજી કરી હતી. ત્યારે તેમના બે માઇનોર બાળકોનો કબજો સોંપવામાં આવ્યો હતો પરંતુ બે પુખ્ત દીકરીઓને મળવાની ના પાડી દેતા તેઓ તામિલનાડૂ જતા રહ્યા હતા. આ તરફ બંને માઇનોર એટલા ગભરાયેલા હતા કે તેમણે કંઇ કહ્યું જ નહોતું. ચાર-પાંચ દિવસ બાદ માઇનોર દીકરી કલ્પથા અને પુત્ર અંબસુથને કહ્યું હતું કે તેઓ મુલાકાતે આવતાં આશ્રમ સંચાલકોએ તેમને નજીકની પુષ્પક સોસાયટીના મકાન નંબર ૧૦૭માં ખસેડી દીધા હતા. બે સપ્તાહ સુધી ત્યાં રાખ્યા હતા. ૧૨થી ૧૫ પુખ્ત અને ૧૫-૧૬ માઇનોર બાળકોને ગોંધી રખાતા હતા અને તેમને ઉંઘવા દેવાતા નહોતા. નિત્યાનંદનું સોશિયલ મીડિયા પર પ્રચાર કરી ડોનેશન ભેગું કરવાના ચાઇલ્ડ લેબર જેવા કામ તેમની પાસે કરાવવામાં આવતા હતા. તેમને માર પણ મારવામાં આવતો હતો. તેથી માતા-પિતાએ અમદાવાદ પરત ફરી તેમની પુખ્ત પુત્રીઓને ગોંધી રખાયાની ફરિયાદ વિવેકાનંદ પો.સ્ટેશનમાં નોંધાવી હતી.
    First published:

    આગામી સમાચાર