ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણી માટ ભાજપ ઘણી તૈયારીઓ કરી રહ્યું છે. આજે આ અંગે કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે આ સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ કમલમ આવવાના છે. આજે, સોમવારે, બપોરે 3:00 વાગ્યે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પત્રકાર પરિષદને સંબોધન કરશે. સ્મૃતિ ઇરાની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'કૃષિ સુધારાઓ થકી આત્મનિર્ભર ખેડૂત' વિષય ઉપર પણ સંબોધન કરશે. ખેડૂતો દેશભરમાં કૃષિ બિલનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે આજથી ખાટલા બેઠકો પણ ચાલુ કરવામાં આવશે.
ભાજપ ખેડૂતોને કૃષિબિલ અંગે સમજાવશે
મહત્ત્વનું છે કે, લોકસભામાં કૃષિબિલ પસાર થયા બાદ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો કૃષિબિલનો વિરોધ કરી રહ્યાં છે. દેશભરમાં મોદી સરકારના વિરોધમાં પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ગુજરાતમાં ખેડૂતો કૃષિબિલથી ખુશ નથીનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ પણ ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરી રહી છે. ખેડૂતોને મનાવવા અને કૃષિબિલની સમજ આપવા ભાજપ કિસાન મોરચાને જવાબદારી આપવામાં આવી છે. આજથી ગામડાઓમાં ખાટલા બેઠકો શરૂ કરી ભાજપે કૃષિબિલની સમજ આપશે. આ ખાટલા બેઠકો 15 દિવસ સુધી ચાલશે અને ખેડૂતોને સમજાવવામાં આવશે.
ગુજરાતમાં ધારી , લિંબડી , અબડાસા , ડાંગ , કપરાડા , કરજણ અને મોરબી બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ટિકિટ માટે રાજકીય લોબિંગ પણ પૂરજોશમાં જામ્યુ છે. આજે મોડી સાંજે સાડા છ વાગે કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નિરીક્ષકો-પ્રભારી મંત્રીના રિપોર્ટ આધારે ઉમેદવારના નામોને લઇને ચર્ચા કરવામાં આવશે. જેમાં પેટાચૂંટણીના મેદાને ઉતરવા ભાજપે મૂરતિયાઓના નામ પર પણ ચર્ચા થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર