અમદાવાદ: સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિએ જ જોતા હોય છે. પરંતુ આજ પોલીસની પ્રશંસનીય કામગીરી મણિનગર વિસ્તારમાં જોવા મળી છે. એક મહિલાનું ખોવાયેલું પર્સ પોલીસને મળી આવતા પોલીસે પર્સ મહિલા સુધી પહોંચાડ્યું છે, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા એક લાખનો સામાન હતો.
આજે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન પોલીસ ચોકીના PSI સી. બી. ગૌસ્વામી તથા લોકરક્ષક અશ્વીનભાઇ ચોકી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેઓને રેલ્વે સ્ટેશન પાસેના રસ્તા પરથી એક લેડીઝ પર્સ મળી આવ્યું હતું. જે પર્સમાં સોનાની બે તોલાનો ચેઈન તથા ચાંદીના પગમાં પહેરવાના ઝાંઝર જેવા દાગીના તથા રોકડ રકમ મળી આવી હતી. જે કુલ અંદાજે 1 લાખ રૂપિયાનો સામાન હતો. જેથી પોલીસે આ પર્સ મૂળ માલિક સુધી પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરી હતી. અને માલિકની શોધ ખોળ શરૂ કરી હતી.
પોલીસે આજુબાજુ શોધખોળ હાથ ધર્યા બાદ પર્સ પોતાના કબ્જામાં લઈ લીધુ અને આસપાસના દુકાનદારોને પણ આ બાબતની જાણ કરી હતી અને દુકાનદારોને કહ્યું હતું કે, જો કોઈ પર્સ શોધતા શોધતા અહી આવે તો તેમને પોલીસ સ્ટેશન મોકલી આપવા માટે કહ્યું હતું.
આ દરમિયાન ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્વાદયનગર ખોખરા ખાતે રહેતા લક્ષ્મીબેન સંગતુર પોલીસ ચોકી આવ્યા હતા, અને તેમનુ પર્સ ખોવાયું હોવાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે તમામ પ્રકાર ન ખાતરી કર્યા બાદ પર્સ મૂળ માલિક સુધી પહોંચાડ્યું છે. લક્ષ્મીબેનને પર્સ સહિસલામત મળી જતા તેમના આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા, અને પોલીસનો આભાર વ્યક્ત કરી અંતરથી આશિર્વાદ આપ્યા હતા.
લક્ષ્મીબેને જણાવ્યું કે, અહીં ઘર માટે ખરીદી કરવા માટે આવ્યા હતા અને તે દરમિયાન તેમનું પર્સ પડી ગયું હતું. તેમને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે બધે ખુબ શોધ્યું પરંતુ મળ્યું નહીં. આખરે તેઓ પોલીસ સ્ટેશન આવ્યા અને તેમને પર્સ મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ધનતેરસે મહેનતની કમાણી પાછી મળી જતા આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ચોરી, લૂંટ-ફાટની ગટનામાં સતત વધારો થયો છે. આર્થિક મંદીના માહોલ ચાલી રહ્યો છે. લોકો આર્થિક રીતે પરેશાન છે. પૈસા માટે ભાઈ-ભાઈની શરમ નથી રાખતો અને દગો ફ્રોડ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવા સમયમાં પોલીસની પ્રમાણિકતા અને પ્રશંશનીય કામગીરી સામે આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર