પુડુચેરી : પુડુચેરી (Puducherry)ના મુખ્યમંત્રી વી. નારાયણસામી (V Narayanasamy)એ કેન્દ્ર સરકાર (Central Government) પર મોટો હુમલો કરતાં કહ્યુ કે સરકારને જ્યારે મન થાય છે તે હિસાબથી અમારી સાથે વ્યવહાર કરે છે. તેઓએ કહ્યુ કે, તેનાથી સારું છે કે સરકાર અમને ટ્રાન્સજેન્ડર (Transgender) જાહેર કરી દે. અમે ક્યાંયના નથી રહ્યા. આ અમારી સ્થિતિ બની ગઈ છે.
નારાયણસામીએ કહ્યુ કે, જ્યારે જીએસટી જેવા વિષયોની વાત આવે છે તો પુડુચેરીની સાથે અન્ય રાજ્યોની જેમ વ્યવહાર કરવામાં આવે છે. બીજી તરફ, જ્યારે એવી યોજનાની વાત આવે છે, જેને પુડુચેરીમાં લાગુ કરવાની જરૂર છે તેને કેન્દ્રશાસિત પ્રદેશની જેમ જોવામાં આવે છે. નારાયણસામીએ કેન્દ્ર સરકાર પર પુડુચેરીની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેન્દ્ર સરકાર બેવડી નીતિ અપનાવે છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વી. નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદી (Kiran Bedi)ની વચ્ચે ઘણા દિવસો સુધી ખેંચતાણ ચાલી રહી છે. હાલમાં જ નારાયણસામીએ કિરણ બેદીના કામકાજની પદ્ધતિની ટીકા કરતાં તેમને જર્મન તાનાશાહ ઍડોલ્ફ હિટલરની બહેન કહ્યા હતા. તેઓએ કહ્યુ હતું કે જ્યારે પણ તેઓ મંત્રીમંડળના નિર્ણયને નકારે છે તો તેમનું લોહી ઉકળી જાય છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઉપરાજ્યપાલે અમારી યાત્રા પર સવાલ ઉઠાવ્યા. પોતાની યાત્રા માટે કિરણ બેદીની મંજૂરીની જરૂર નથી, કારણ કે અમે તેમના નોકર કે ગુલામ નથી. નોંધનીય છે કે, કિરણ બેદીએ કહ્યું હતું કે તેમને મીડિયા દ્વારા આ યાત્રા વિશે જાણવા મળ્યું. તેઓએ સવાલ ઉઠાવ્યો કે આ યાત્રા માટે જરૂરી મંજૂરી લીધી હતી કે નહીં.