Home /News /samachar /

પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50મી સદી ફટકારી, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50મી સદી ફટકારી, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

રણજી ટ્રોફી : પૂજારાએ પ્રથમ દિવસે અણનમ 162 રન બનાવ્યા, જેમાં 17 ફોર અને 1 સિક્સર ફટકારી

રણજી ટ્રોફી : પૂજારાએ પ્રથમ દિવસે અણનમ 162 રન બનાવ્યા, જેમાં 17 ફોર અને 1 સિક્સર ફટકારી

    રાજકોટ : ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા(Cheteshwar Pujara)એ શનિવારે રાજકોટમાં પોતાની કારકિર્દીની 50મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. આ સાથે જ તે ખાસ લિસ્ટમાં સામેલ થયો છે. જેમાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ સામેલ છે.


    પૂજારા 9 ભારતીય બેટ્સમેનોની એલિટ યાદીમાં સામેલ થયો છે જેમના નામ પર 50 અથવા તેના કરતા વધારે ફર્સ્ટ ક્લાસ સદી છે. સૌરાષ્ટ્રના પૂજારાએ રણજી ટ્રોફીમાં કર્ણાટક સામેના મુકાબલામાં આ સિદ્ધિ મેળવી હતી. આ મુકાબલામાં પૂજારાએ પ્રથમ દિવસે અણનમ 162 રન બનાવ્યા છે. જેમાં 17 ફોર અને 1 સિક્સરનો સમાવેશ થાય છે.


    ગાવસ્કર અને સચિન તેંડુલકરની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 81-81 સદી છે. જ્યારે દ્રવિડના નામે 68 સદી છે. આ સિવાય વિજય હઝારે (60), વસીમ જાફર (57), દિલીપ વેંગસરકર (55), વીવીએસ લક્ષ્મણ (55), મોહમ્મદ અઝહરુદ્દીન (54)નો સમાવેશ થાય છે.


    સૌથી ઝડપી 50 ફર્સ્ટ ક્લાસ સદી ફટકારવાના મામલે પૂજારા પાંચમાં સ્થાને છે. તેણે આ સિદ્ધિ 323મી ઇનિંગ્સમાં મેળવી છે. આ રેકોર્ડ વિજય હઝારેના નામે છે. જેમણે 253 ઇનિંગ્સમાં 50 ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી છે. આ પછી સચિન તેંડુલકર (273), મોહમ્મદ અઝહરુદ્દીન (311) અને સુનીલ ગાવસ્કર (321)નો ક્રમ આવે છે.


    પૂજારાની સદીની મદદથી સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે પ્રથમ દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 296 રન બનાવી લીધા છે. પૂજારા 162 અને શેલ્ડન જેક્સન 99 રને રમતમાં છે. સૌરાષ્ટ્રએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર હાર્વિક દેસાઇ (13) અને સ્નેહલ પટેલ (16) જલ્દી આઉટ થતા 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પૂજારા અને શેલ્ડને ત્રીજી વિકેટ માટે 263 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી.
    First published:

    આગામી સમાચાર