Home /News /samachar /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આદિવાસીઓ માટે વિકાસની નવી દિશા ખૂલી : ગણપત વસાવા

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આદિવાસીઓ માટે વિકાસની નવી દિશા ખૂલી : ગણપત વસાવા

વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

  સૂરતઃ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે નિર્માણ થયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંદર્ભે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલાએ કરેલા આક્ષેપોનો જવાબ આપતા વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે અસરગ્રસ્ત આદિવાસીઓના કલ્યાણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. આદિવાસીઓનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલું છે, ત્યારે આદિવાસી સમાજ સાથે વાટાઘાટો કર્યા બાદ જ તમામ નિર્ણયો લેવાની સરકારની પ્રણાલી રહી છે.

  કેવડીયા ખાતે પ્રવાસનના પ્રોજેકટ માટે કોઈ નવી જમીન સંપાદિત કરવામાં આવી નથી. સી પ્લેન ઉતારવાનો કોઈ પ્લાન નથી. પશુઓ, પ્રાણીઓ અને બાળકોને ખલેલ ન પહોચે તે માટે હેલીકોપ્ટર રાઈડ હાલ બંધ કરવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતું.સુરત સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ થવાથી પ્રવાસનક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત થયા છે. 11 મહિના દરમિયાન 26 લાખ જેટલા દેશ-વિદેશના પ્રવાસીઓએ યુનિટીની મુલાકાત લીધી છે.

  મંત્રીએ કહ્યું કે, હાલમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા કેટલાક નેતાઓ વિસ્થાપિતોના નામે પોતાના રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને કેટલાક ગુજરાત વિરોધીઓ શરૂઆતથી બદનામ કરી રહ્યા છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્દધાટન કર્યું છે. આ પ્રોજેકટના પ્રારંભથી જ કેટલાક તકવાદી અને લેભાગુ લોકોએ ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરી પોતાના રાજકીય રોટલાઓ શેકવાનું કામ કર્યું છે.

  પર્યાવરણના જતન માટે વન વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વેલી ઓફ ફલાવર્સ, કેકટ્સ ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, ટેન્ટ સીટી જેવા આકર્ષણો ઉભા કરવામાં હાલ ૪૬ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે. આકર્ષક સ્થળોની કામગીરી માટે 12 લાખ માનવ દિવસની રોજગારી તકોનું નિર્માણ થયું છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીના અવસર મળ્યા હોવાની વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, જંગલ સફારીમાં ગાઈડ તરીકે 70 જેટલા સ્થાનિક યુવાનોને રોજગારી મળે છે. ગાઈડ તરીકે કેવડીયા ખાતે 100થી વધુ યુવક-યુવતિઓ કાર્ય કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિનું ભૂમિપુજન થયા બાદ સ્થાનિક જરૂરીયાત અનુસાર નવા ગરૂડેશ્વર તાલુકાના નિર્માણ કરવાની સાથે કાડા ઓથોરીટી બનાવવાની પણ મોકુફ રાખવામાં આવી હતી.

  સરકારી જમીનો પર અનધિકૃત રીતે દબાણો કરીને રહેતા લોકો માટે રાજય સરકાર સારી અને અલાયદી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માંગે છે. પાકા મકાનો, સીમેન્ટ કોંક્રીટ રોડ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધાઓ સાથે 50 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ આદર્શ ગામની બનાવવાનું પણ વિચારાધિન હોવાનું મંત્રીએ કહ્યું હતું.

  નર્મદા યોજના માટે છ ગામોના આદિવાસી પરિવારોની જમીનો સંપાદિત કરવા માટેની પ્રક્રિયા કોઈને પણ અન્યાય ન થાય તે માટે સંપૂર્ણ કાયદાકીય અને નીતિ નિયમો અનુસાર કરવામાં આવશે. જેમાં જમીન ગુમાવનાર દરેક ખાતેદારને જેટલી જમીનનું સંપાદન થયું હોય તેટલી જમીન સામે જમીન અથવા વળતર લેવા માંગતા હોય તો પ્રતિ હેકટરે 7.50 લાખ રુપિયા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત અસરગ્રસ્ત કુટુંબના દરેક પુખ્ત વયના પુત્રને સ્વરોજગાર માટે પાંચ લાખ રુપિયા સહાય તેમજ દરેક જમીન ગુમાવનાર કુટુંબને ૩૦૦ ચો.મીટરનો રહેણાંક માટે પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવનાર હોવાની વિગતો મંત્રીએ આપી હતી.
  જે લોકોને કેવડીયા અને તેની આસપાસના ગામડાઓના લોકોના વિકાસ માટે કોઈ લેવાદેવા નથી તેવી કહેવાતી એનજીઓ પ્રકારની સંસ્થાઓ ગુજરાત વિરોધી તત્વો સાથે મળીને લોકોને ગુમરાહ કરી રહી છે. જો નવી જમીન સંપાદિત કરવાની જરૂરીયાત ઉભી થશે તો સ્થાનિક આદિવાસીઓ સાથે ચર્ચા-વિચારણા કરી કાયદાકીય પ્રક્રિયાને અનુસરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन