Home /News /samachar /

BREXIT : અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગમાં થેરેસા મેની જીત, સરકાર નહીં પડે

BREXIT : અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગમાં થેરેસા મેની જીત, સરકાર નહીં પડે

અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં 325 સાંસદોએ થેરેસા મે સરકારના સમર્થનમાં જ્યારે 306 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં 325 સાંસદોએ થેરેસા મે સરકારના સમર્થનમાં જ્યારે 306 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

  લંડનઃ બ્રિટનની સંસદે બ્રિક્સિટ ડીલને નકારી દીધા બાદ વડાપ્રધાન થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, બુધવારે સંસદમાં થયેલા વોટિંગમાં થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ ચાલ્યો ન હતો. આ માટે થયેલા વોટિંગમાં 325 સાંસદોએ થેરેસા મે સરકારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું, જ્યારે 306 સાંસદોએ તેમની વિરુદ્ધ એટલે કે અવિશ્વાસના મતના સમર્થનમાં મતદાન કર્યું હતું.

  બ્રિક્સિટ ડીલને બ્રિટનની સંસદે નકારી દીધાની થોડી જ મિનિટોમાં વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. કોર્બિને સંસદમાં થેરેસા મેની હારને વિનાશકારી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હાર બ્રિટન માટે અંધારામાં આંધળી છલાંગ લગાવવા સમાન સાબિત થશે.

  નોંધનીય છે કે બ્રિટન 1973માં 28 સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું હતું. 29મી માર્ચના રોજ બ્રિટન ઈયૂ સાથે અલગ થવાનું હતું. ઈયૂથી અલગ થવાને માત્રે બે મહિના બચ્યા છે, પરંતુ બ્રિટન હજી સુધી એ નક્કી નથી કરી શક્યું કે તેણે શું કરવું છે.

  થેરેસા મેની બ્રેક્સિટ ડીલને બ્રિટનની સંસદે નકારી

  બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનો બ્રેક્સિટને પાસ કરાવવાનો અંતિમ પ્રયાસ પણ અસફળ રહ્યો છે. બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ સૌથી મોટી હાર છે. બ્રિટનના સાંસદોએ 230ની બહુમતિથી થેરેસા મેની બ્રેક્સિટ ડીલને નકારી દીધી હતી.

  થેરેસાના સમર્થનમાં 202 સાંસદોએ વોટિંગ કર્યું હતું, જ્યારે તેના વિરોધમાં 432 સાંસદોએ વોટિંગ કર્યું હતું. ત્યાં સુધી કે આ મતદાનમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના 118 સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરોધમાં વોટિંગ કર્યું હતું. જોકે, સામે એ વાત પણ સાચી છે કે વિપક્ષી લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ ડીલનું સમર્થન કરીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું.

  અલગ અલગ પાર્ટીના સાંસદોએ અલગ અલગ કારણને લઈને આ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, થેરેસા મેએ આ અંગે સાંસદોને ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.

  થેરેસા મેએ આ મામલે પહેલા કહ્યું હતું કે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે લોકો સંસદના નિર્ણયને યાદ કરીને પૂછશે કે શું આપણે યૂરોપિયન યુનિયનને છોડવા માટે મતદાન કર્યું હતું કે નહીં? કે પછી આપણે દેશની જનતાને નિરાશ કરી હતી. ઉલ્લેખનીય છે કે 18 મહિના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યૂરોપિયન યુનિયન સાથે બેક્સિટ કરાર પર સહમતિ થઈ હતી.

  ડિસેમ્બરમાં કરારને લઈને નીચલા હાઉસ (હાઉસ ઓફ કોમન્સ)માં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરને કારણે મતદાનને ટાળી દેવામાં આવ્યું હતું. જે બાદમાં થેરેસા મે સાંસદોને સમજાવી રહ્યા હતા.
  First published:

  આગામી સમાચાર