મુંબઈ : બૉલિવૂડ (Bollywood) એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)એ પોતાની ફિલ્મ 'તાન્હાજી : અનસંગ વૉરિયર (Tanhaji: Unsung Warrior)' બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં તેમના પાત્રના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં તે નેગેટિવ પાત્રમાં જોવા મળ્યા છે. તેમના પાત્રની તુલના પદ્માવતના અલાઉદ્દીન ખિલજીના પાત્ર સાથે કરવામાં આવી રહી છે. સૈફે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મમાં ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો અને તેને લઈને તેમને અફસોસ રહેશે. તેની સાથોસાથ તેઓએ દેશની હાલની સ્થિતિ અને રાજકીય મુદ્દાઓ અંગે પણ પ્રતિક્રિયા આપી.
એક્ટર સૈફ અલી ખાને પત્રકાર અનુપમા ચોપડાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ઈતિહાસ નથી. તેઓએ કહ્યું કે, ઈતિહાસ શું છે, હું તેને જાણું છું પરંતુ જો કોઈ કહે કે ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે કે તે ઈતિહાસ છે તો હું તેને નથી માનતો.
છેલ્લા ઘણા સમયથી સૈફ જે સવાલથી બચી રહ્યા હતા, તેઓએ આ વખતે તે સવાર પર પોતાના વિચાર રજૂ કર્યા. તેઓએ દેશની હાલની સ્થિતિ પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું કે, હાલ દેશમાં જે સ્થિતિ છે, તે જોઈને દુ:ખ થાય છે.
સૈફે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવા ખોટી બાબત છે. ફિલ્મ તાન્હાજી : અનસંગ વૉરિયર માં મુઘલ જનરલ ઉદયભાન રાઠોડની ભૂમિકા નિભાવનારા સૈફે કહ્યું કે, કેટલાક કારણોથી હું કોઈ સ્ટેન્ડ નથી લેતો. હોઈ શકે છે કે આવતી વખતે લઉં. તેઓએ કહ્યું કે, હું રોલને લઈને ખૂબ ઉત્સાહિત હતો, કારણ કે તે ખૂબ રસપ્રદ હતો. પરંતુ જ્યારે લોકો કહે છે કે તે ઈતિહાસ છે, તો હું નથી માનતો કે તે ઈતિહાસ છે. હું સારી રીતે જાણું છું કે ઈતિહાસ શું છે.
દેશની હાલની સ્થિતિ પર તેઓએ પહેલીવાર પોતાની વાત રજૂ કરતાં સૈફે કહ્યું કે, દેશની સ્થિતિને જોઈ લાગે છે કે આપણે સેક્યુલરિઝમથી દૂર જઈ રહ્યા છીએ અને મને કોઈ પણ તેના માટે લડતું દેખાતું નથી. તેઓએ કહ્યું કે, એક એક્ટર હોવાના કારણે મારા માટે કોઈ પણ સ્ટેન્ડ લેવો યોગ્ય નથી, કારણ કે તેનાથી ફિલ્મો બૅન હોઈ શકે છે અને બિઝનેસ પર અસર પડે છે. તેઓએ કહ્યું કે તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પોતાનો બિઝનેસ અને પોતાના પરિવારને ખતરામાં નથી મૂકવા માંગતા અને કોઈ પણ રાજકીય કૉમેન્ટ કરવાથી દૂર રહે છે.