રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : આજે (31મી ઓક્ટોબર) સરદાર પટેલની જન્મ જયંતીના પ્રસંગે દેશભરમાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પણ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શહેરના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર ખાતે પણ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે રન ફોર યુનિટી કે એકતા દોડનું ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે. જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આઈ.કે. જાડેજા પાછળ રહી ગયા
સુરેન્દ્રનગરમાં યોજાયેલી એકતા દોડને લીલીઝંડી આપ્યા બાદ નેતાઓ અને બીજેપીના કાર્યકરોએ પણ થોડા અંતર સુધી દોડ લગાવી હતી. જોકે, આ દરમિયાન આઈ.કે.જાડેજા થોડા પાછળ રહી ગયા હતા. આ સમયે સ્થાનિક
ધારાસભ્યએ તેમને ટકોર કરી હતી અને તેમનો હાથ પકડીને તેમને દોડાવ્યા હતા. જોકે, ધનજી પટેલે હાથ પકડીને દોડાવ્યાં છતાં આઈ.કે. જાડેજા દોડ્યા ન હતા!
એકતા દોડમાં સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા, બીજેપીના દિગ્ગજ નેતા આઈ.કે.જાડેજા, વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તેમજ પાલિકા પ્રમુખ સહિતના નેતાઓએ દોડ લગાવી હતી. રન ફોર યુનિટીમાં ભાગ લેવા માટે
જિલ્લાના વહિવટી અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. એકતા દોડમાં ભાગ લેવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.