Home /News /samachar /

સોમાભાઈ પટેલ માટે 'બાવાના બેય બગડ્યા' જેવી સ્થિતિ, ભાજપ પણ ટિકિટ નહીં આપે!

સોમાભાઈ પટેલ માટે 'બાવાના બેય બગડ્યા' જેવી સ્થિતિ, ભાજપ પણ ટિકિટ નહીં આપે!

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP), કૉંગ્રેસ (Congress) બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ સોમાભાઈને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો.

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP), કૉંગ્રેસ (Congress) બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ સોમાભાઈને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો.

  ગાંધીનગર: સુરેન્દ્રનગરના કોળી પટેલ આગેવાન સોમાભાઈ પટેલ (Limbdi Ex-MLA Somabhai Patel)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્ય સભાની ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલે લીંબડીના ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. તેઓ કૉંગ્રેસ (Gujarat Congress) પાર્ટીમાંથી ધારાસભ્ય હતા. જોકે, કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા ન હતા. થોડા દિવસ પહેલા જ સોમાભાઈએ મીડિયા સામે એવું નિવેદન આપ્યું હતું કે, જે પક્ષ તેમને ટિકિટ ઑફર કરશે તેમની ટિકિટ પરથી તેઓ ચૂંટણી લડશે. તેમના નિવેદન બાદ કૉંગ્રેસ અને એનસીપીએ તેમને ટિકિટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે એવા સમાચાર આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીપણ સોમાભાઈ પટેલને ટિકિટ આપવાના મૂડમાં નથી.

  સોમાભાઈ માટે ત્રણેય પક્ષના દ્વાર બંધ!

  ગત અઠવાડિયે સોમાભાઈ પટેલે મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, લીંબડી બેઠક પરથી તેમને જે પણ રાજકીય પક્ષ ટિકિટ આપશે તેમના પક્ષમાંથી તેઓ ચૂંટણી લડશે. સોમાભાઈ પટેલના આવા નિવેદન બાદ કૉંગ્રેસ નેશનાલિસ્ટ પાર્ટી (NCP)એ એવું નિવેદન આપ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તેમનું કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ હોવાથી અમે તેમને ટિકિટ આપી શકીએ નહીં. આ નિવેદન બાદ સોમાભાઈ માટે પ્રથમ દ્વારા બંધ થઈ ગયો હતો. જે બાદમાં કૉંગ્રેસ પાર્ટીએ પણ તેમને ટિકિટ આપવાનો ઇન્કાર કરી લીધો હતો.

  આ પણ વાંચો: નવું રેશન કાર્ડ, આવકનો દાખલો સહિત આ 22 સેવા ગામડાઓમાં 'ઘરબેઠાં' મળશે

  કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ નિવેદન આપ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીમાં પક્ષ પલટુંઓને કોઈ સ્થાન નથી. તેઓ પાર્ટીને વફાદાર રહ્યા ન હોવાથી કૉંગ્રેસ પાર્ટી તેમને ટિકિટ આપવાના મૂડમાં નથી. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, પાર્ટી સાથે દગો કરનાર વ્યક્તિને પક્ષમાં ન લેવા જોઈએ. હવે એવી માહિતી સામે આવી છે કે ભાજપે પણ સોમાભાઈને ટિકિટ નહીં આપવાનું મન બનાવી લીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપ તરફથી લીંબડી બેઠક પર જે પેનલ બનાવી છે તેમાં સોમાભાઈ પટેલનું નામ નથી.

  આ પણ વાંચો: બનાસકાંઠા: પશુ ચોરીનો વિરોધ કરવા ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા ગામના લોકોએ રસ્તો બંધ કરી દીધો  સોમાભાઈ પાસે અપક્ષ ચૂંટણી લડવાનો એકમાત્ર વિકલ્પ

  આ મામલે ન્યૂઝ18 ગુજરાતી તરફથી સોમાભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફોન પર તેમણે જણાવ્યું હતું કે તેઓ અત્યારે કંઈ કહેવા માંગતા નથી. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તેમણે કોઈનો સંપર્ક કર્યો નથી. સાથે સાથે એમ પણ કહ્યું કે જો ટિકિટ માટે ના પાડે તો ચૂંટણી નહીં લડવાની. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પૂછ્યું કે, કૉંગ્રેસ અને એનસીપીએ ટિકિટ માટે ના પાડી દીધી છે, હવે ભાજપ પણ ટિકિટ નહીં આપે તો તમે શું કરશો? જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ટિકિટ ન મળે પછી વાત કરીશું. આ મામલે હું કંઈ કહેવા માંગતો નથી. મને ચૂંટણી લડવાની ઈચ્છા છે.

  ગમે તે પક્ષમાંથી ચૂંટણી લડવી છે: સોમાભાઈ પટેલ

  ત્રણેય પક્ષ દ્વારા ટિકિટ માટે ઇન્કાર કરવામાં આવ્યા પહેલા ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીત સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે, "હાલ હું કૉંગ્રેસ કે ભાજપ બંને પક્ષમાં નથી. હું બિલકુલ ફ્રી છું. હવે ભાજપ કે કૉંગ્રેસ જે પણ પાર્ટી બોલાવશે તેની પાસે જઈશ. હું 45 વર્ષ ભાજપમાં રહ્યો છું એટલે ભાજપને જરૂર હોય તો ટિકિટ આપે. કૉંગ્રેસને જરૂર હોય તે તે મને બોલાવે. મારી બંને પક્ષ સાથે વાતચીત ચાલી રહી છે. જો બંને પાર્ટી એક સાથે ટિકિટ ઑફર કરે તો જે પાર્ટી વહેલા આમંત્રણ આપશે તેમાંથી ચૂંટણી લડીશ."

  ભાજપના ઉમેદવારોની ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર

  આગામી દિવસોમાં આઠ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ભાજપ તરફથી તમામ બેઠક પર ત્રણ ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરી દેવામાં આવી છે. આ યાદી સાથે બુધવારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી જવા માટે રવાના થશે. આ આઠેય બેઠક પર અંતિમ નિર્ણય ભાજપ હાઇ કમાન્ડ તરફથી લેવામાં આવશે.
  First published:

  આગામી સમાચાર