Home /News /samachar /

બનાસકાંઠા : ઠાકોર સમાજનું વધુ એક ફરમાન, દીકરીઓ અને સ્ત્રીઓને મેળામાં જવા પર પ્રતિબંધ

બનાસકાંઠા : ઠાકોર સમાજનું વધુ એક ફરમાન, દીકરીઓ અને સ્ત્રીઓને મેળામાં જવા પર પ્રતિબંધ

લાખણી ઠાકોર સમાજ તરફથી આ અંગે બેઠક બાદ એક લેખિતમાં પત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં 22 નિર્ણયો લેવાયા હોવાની માહિતી આપવામાં આવી.

લાખણી ઠાકોર સમાજ તરફથી આ અંગે બેઠક બાદ એક લેખિતમાં પત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં 22 નિર્ણયો લેવાયા હોવાની માહિતી આપવામાં આવી.

  બનાસકાંઠા : જિલ્લામાં ઠાકોર સમાજે દીકરીઓ અને મહિલાઓ અંગે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. જે પ્રમાણે સ્ત્રીઓ અને દીકરીઓને મેળવામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ઠાકોર સમાજની મળેલી બેઠકમાં લાખણી ઠાકોર સેનાના પ્રમુખ તરફથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજના કહેવા પ્રમાણે સામાજિક અને આર્થિક રીતે ટકી રહેવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા આ પહેલા પણ આવો જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં યુવતીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

  લાખણી ઠાકોર સમાજ તરફથી આ અંગે બેઠક બાદ એક લેખિતમાં પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આજ રોજ લાખણી તાલુકા ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજમાં વધતા જતા ખોટા રિવાજો બંધ કરી સમાજને આર્થિક રીતે તેમજ સામાજિક રીતે ટકી રહે તે હેતુથી સમાજના આગેવાનો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આજની મિટીંગમાં ઉપરના વિષયના અનુસંધાને ઘણા બધા વિષયોની ચર્ચા વિચારણા થઈ હતી. બેઠકના અંતે આટલા નિર્ણયો લેવાયા છે.

  1. તમામ પ્રકારના પ્રસંગમાં કેફી પદાર્થો સંપૂર્ણ બંધ કરવા.
  ૨. તમામ પ્રકારના પ્રસંગમાં ઓઢામણા પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
  ૩. દીકરા-દીકરીના ઢુંઢ પ્રસંગે રાવણું બંધ રાખી માત્ર પરિવારના સભ્યો પુરતું આયોજન રાખવું.
  ૪. દીકરા -દીકરીના ઢુંઢમાં માત્ર તેના પિતાના ઘર સિવાય કોઈએ ઢુંઢ લેવી નહી. ઢુંઢ પેટે રોકડ આપી દેવા.
  ૫. સગપણ (ગોળ ખાવા) વખતે સ્ત્રીઓ લઈ જવી નહીં. માત્ર પુરૂષોએ જ જવું. જોવા જવાની વાત બાબતે સગપણ (ગોળ ખાવા) પહેલા જ આવવું.
  ૬. ફેટો બાંધાવવાની પ્રથા બંધ કરવી. વરણા લઈ જવાની પ્રથા બંધ કરવી.
  ૭. કોઈ પણ પ્રકારની બીમારી વખતે સમાચાર લેવા માટે કરવામાં આવતા રાવણા પ્રથા બંધ કરવી.
  ૮. મેળા કે અન્ય જગ્યાએ ચાલતા કે સાધનમાં દીકરીઓ કે સ્ત્રીઓને લઈ જવાનું બંધ કરવું.

  લગ્ન પ્રસંગે

  ૯. પત્રિકામાં નામ લખાવવા બાબતે માત્ર દીકરા-દીકરીના પિતા તેમજ દાદા એમ માત્ર બે જ નામ લખવા  તેમજ સમસ્ત પરિવાર લખવું. વધારે કોઈના નામો લખવા નહીં.
  ૧૦. લગ્નમાં માત્ર બે જ માણસો મૂકવા અથવા સામા સામા ગણેશ લઈ લેવા.
  ૧૧. લગ્ન દિવસે જ મૂકવા. રાત્રે મૂકવા નહીં.
  ૧૨. દીકરીના લગ્ન વખતે દીકરીના પિતા સિવાય કોઈએ વાસણો લાવવા નહીં. તેમજ દીકરીના પિતાએ પણ જરૂરિયાત પુરતા મયાદામાં વાસણો લાવવા. શકય હોય તો બાકી રકમ રોકડમાં આપવી.
  ૧૩. રાતિ જગો કે જાનમાં ડી.જે. લાવવા નહિ.
  ૧૪. જાન લઈને જઈએ ત્યાં કુંવાસી દ્વારા લાવવામાં આવતા વાટલા પ્રથા તેમજ લગ્ન વધાવે ત્યારે તેમજ પડવા વખતે આપવામાં આવતા વાટલા પ્રથા બંધ કરવી. તેમજ કુંવાસી દ્વારા લાવવામાં આવતા ઢાઢિયા પ્રથા બંધ કરવી.
  ૧૫. લગ્ન પ્રસંગે કુંવાસી કે કોઈને પણ ઓઢમણા કરવા નહીં.

  મામેરા પ્રસંગે

  ૧૬. મામેરૂ લઈ જઈએ ત્યારે કુવાસી દ્વારા લાવવામાં આવતા તેમજ અન્ય કુંવાસી દ્વારા લાવવામાં આવતા ઢાટિયા પ્રથા બંધ કરવી.
  ૧૭. મામેરામાં સામે પક્ષને આપવામાં આવતા ઓઢમણા કરવા. મામેરામાં ગયેલા માણસોએ કુંવાસીના ઓઢમણા ઓઢવા નહિ.

  મરણ પ્રસંગે

  ૧૮. મરણ પ્રસંગે બેસવું ફરજીયાત એક સાથે પાંચ કે સાત દિવસે રાખવું.
  ૧૯. બેસણા વખતે માત્ર સીરો અને ખીચડી- કઢી રાખવા. અન્ય વાનગી બનાવવી નહીં.
  ૨૦. બાકીના દિવસોમાં માત્ર ખીચડી-કઢી રાખવા.
  ૨૧. રોડીવટા વખતે પિયર પક્ષને જમવાનું અલગ બનાવવું નહીં.
  ૨૨. મરણ પ્રસંગે જેણે સુંવાળા ઉતરાવેલ હોય તેને જ લુંગી બંધાવવા લાવવી. તે ખર્ચ કુંવાસી પાસેથી લેવો નહીં.

  લાખણી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ઉપર મુજબના બંધારણ રાખવાનું નકકી કરવામાં આવેલ છે. જે બાબતે વિગતે ચર્ચા વિચારણા કરવા તા.૨૧/૦ર/ર૦૨૦ ને શુક્રવારના રોજ ચિત્રોડા ગુરૂ મંદિરે લાખણી તાલુકા ઠાકોર સમાજની બેઠક રાખવામાં આવી છે. જેમાં બંધારણમાં જ સુધારા-વધારા કરી આખરી ઓપ આપવામાં આવશે.
  First published:

  આગામી સમાચાર