નવી દિલ્હીઃ હાલમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ભાગ લેનારા 50 ટકાથી વધુ લોકોનું કહેવું છે કે તેઓ 8 જૂનથી ધાર્મિક સ્થળો ખૂલ્યા બાદ પણ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચવા માટે આ સ્થળોમાં નહીં જાય. કેન્દ્ર સરકારે 30 મેના રોજ કહ્યું હતું કે 8 જૂનથી દેશમાં અનલૉક-1 (Unlock-1) હેઠળ લૉકડાઉન (Lockdown)માં છૂટ આપવામાં આવશે અને શૉપિંગ મૉલ (Shopping Malls), રેસ્ટોરાં (Restaurants) અને ધાર્મિક સ્થળો (Religious Place)ને ખોલવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં 30 જૂન સુધી કડક પ્રતિબંધ લાગુ રહેશે.
સોશિયલ મીડિયા મંચ ‘લોકલ સર્કલ્સ’ના સર્વેમાં એવું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે લૉકડાઉનમાં છૂટ આપ્યા બાદ જ્યારે વિભિન્ન જાહેર સ્થળો ખૂલશે તો લોકો ત્યાં જવા ઈચ્છુક છે કે નહીં.
સર્વેમાં સામે આવેલા આંકડાઓ મુજબ, ધાર્મિક સ્થળો ખોલ્યા બાદ ત્યાં જવા ઈચ્છા સંબંધમાં પૂછવામાં આવેલા સવાલના 8681 લોકોએ જવાબ આપ્યા. તેમાંથી 57 ટકા લોકોએ કહ્યું કે તેઓ આગામી 30 દિવસ સુધી આ સ્થળો પર જવાથી બચશે કારણ કે અહીં સામાજિક અંતરનું પાલન કરવું મુશ્કેલ છે અને તેનાથી સંક્રમણ ફેલાવાનો ખતરો છે. સર્વે મુજબ 32 ટકા લોકોએ કહ્યું કે આ સ્થળો પર જશે જ્યારે 11 ટકા લોકો તેને લઈને અનિશ્ચિત હતા.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હોટલોમાં જવા સંબંધી પૂછવામાં આવેલા સવાલનો 8616 લોકોએ જવાબ આપ્યો. માત્ર 10 ટકા લોકોએ કહ્યું કે તેઓ આગામી 30 દિવસમાં આ સ્થળો પર જશે, જ્યારે 81 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઓછામાં ઓછા એક મહિના સુધી હોટલમાં નહીં જાય.
સર્વેના આંકડામાં કહેવામાં આવ્યું છે કે, મૉલ ખુલ્યા બાદ ત્યાં જવાની ઈચ્છા રાખનાવા સંબંધમાં પૂછવામાં આવેલા સવાલનો 8364 લોકોએ જવાબ આપ્યો હતો. તેના 70 ટકા લોકોએ નકારમાં જવાબ આપ્યો, જ્યારે 21 ટકા લોકોએ કહ્યું કે તેઓ મૉલ જશે અને 9 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ વાતને લઈને કોઈ નિર્ણય નથી કરી શકતા.