ઈશાન રૂપાલી, ન્યૂઝ18 ગુજરાતી: સાબરકાંઠાનાં પોશીનાનાં દેલવાડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બાથરૂમમાંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. જેના કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પોશીનાના દેલવાડાનાં ક્સ્તુરબા ગાંધી બાલિકા વિધાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. આ કિશોરી ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોરીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હજી સામે આવી નથી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાની જાણ વાયુવેગે આખા પંથકમાં પ્રસરતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં.
આ કિશોરીએ વિદ્યાલયનાં બાથરૂમની વેન્ટિલેશન માટેની બારીમાં દોરડું લટકાવીને આપઘાત કરી લીધો છે. પોસ્ટમોર્ટમ પછી અનેક પ્રશ્નોનાં જવાબ પણ મળી શકે છે. કિશોરીએ અગમ્ય કારણસર આ પગલું ભરતાં ગામલોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ વિદ્યાલયનાં તંત્ર અને વિદ્યાર્થીનીનાં પરિવારની પૂછપરછ કરી રહી છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સિટીમાં નિલ ઠક્કર નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. મારવાડી યુનિવર્સિટીમા બિ.સી.એ.ના ચોથા સેમેસ્ટરમા અભ્યાસ કરતા નિલ ઠક્કરને બેકલોગ વધી જતા તેને ડિટેઈન કરવામા આવ્યો હતો. રેકટરે તેને બોલાવીને સવારના 10.30 કલાક સુધીમાં હોસ્ટેલનો રૂમ ખાલી કરી ચાલ્યા જવાનુ કહ્યું હતું. જે પછી વિદ્યાર્થીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલના રેક્ટર અને HOD દ્વારા પ્રેસર કરવામાં આવતું હોવાથી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.