સાબરકાંઠા: ઈડર તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના બની છે. શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થિનીએ સ્કૂલ છોડી દીધી હોવા છતાં લંપટ શિક્ષક હેરાન કરતો રહ્યો હતો. આ સમગ્ર મામલે લંપટ શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થિનીના પરિવારજનોએ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે લંપટ શિક્ષકને બચાવવા માટે મોટા માથા મેદાને પડ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
લંપટ શિક્ષકે ગંદુ કામ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ
તાજેતરમાં જ અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અમદાવાદના સરસપુરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને છેડતી કરી હતી. જેની જાણ વિદ્યાર્થિનીના પરિવારજનોને થતાં તેઓ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે હકીકત જાણી આરોપી સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી. આ લંપટ શિક્ષકે અન્ય કોઇ સાથે આવું ગંદુકામ કર્યું છે કે કેમ તે બાબતને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
સરસપુર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક્સ સ્ટૂડન્ટ તરીકે પરીક્ષા આપવાની હતી. આ વિદ્યાર્થિની છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન ક્લાસમાં જતી હતી. 9 જાન્યુઆરીના રોજ આરોપી અજય સોલંકીએ અભ્યાસના નામે સગીરાને રોકી હતી. અને ત્યાર બાદ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. સગીરાએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું શહેરકોટડા પોલીસસ્ટેશનના પી.આઇ. બી.કે. ખાચરે જણાવ્યું હતું.
શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ લંપટ શિક્ષકે કર્યું ખરાબ કામ
એકાદ મહિના પહેલા અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઘરે ટ્યુશન માટે આવતી વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરનાર હવસખોર શિક્ષકની ધરપકડ કરાઇ હતી. આ લંપટ શિક્ષકે અત્યાર સુધી બે વિદ્યાર્થિનીઓ ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને ખાનગી ટ્યુશનમાં મૂકી હતી. જ્યાં વિદ્યાર્થિની ભણવા જતી હતી. ત્યારે શિક્ષક આલોકકુમાર સિંઘ તેની છેડતી કરતો હતો અને અડપલાં પણ કરતો હતો. આમ તો આરોપી વ્યવસાયે શિક્ષક છે પણ વિદ્યાર્થિનીઓને શિક્ષાના પાઠ ભણાવવાની જગ્યાએ ગુનેગારનું કામ કરતો હતો. આરોપી એક હાઇપ્રોફાઇલ ટાઉનશીપમાં રહે છે. જ્યાં તે વર્ષ 2018થી ઘરેથી જ ટ્યુશન ચલાવે છે. જેના ત્યાં હાઇપ્રોફાઇલ શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ પણ ટ્યુશન માટે આવતી હતી. જેને ભણાવવાની સાથે સાથે આ શિક્ષક ન કરવાનું કામ કરતો હતો. આશરે 40 વર્ષની ઉંમરનો આ શિક્ષક તેની દીકરીની ઉંમરની વિદ્યાર્થિનીઓને અડપલા કરતો અને શારિરીક છેડતી પણ કરતો. જે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે બી રાજવીએ જણાવ્યું હતું.