ઈશાન પરમાર, સાબરકાંઠા : જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની બહેડીયા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બહેડીયા પ્રાથમિક શાળામાં જવા માટે અન્ય રસ્તો હોવાં છતાંય બાળકોને નદી પાર કરાવી વીડીયો વાયરલ કરવાના કારણે આચાર્ય પર કાર્યવાહી હાથ ધરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, આચાર્યએ બાળકોના જીવને જોખમમાં મૂકી સરકારી તંત્રને ભીસમાં લેવા માટે આ વીડિયો તૈયાર કરવ્યો હતો, જેની તપાસ જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે શાળાએ જવા માટે અન્ય રસ્તો હોવા છતાંય બાળકોને નદી પાર કરાવીને માસૂમોના જીવ જોખમે મૂક્યા હતા. તેથી આચાર્ય સોમ કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાતું હતું કે, બાળકોને લાઈનમાં ઊભા રાખીને તેમને નદી પાર કરાવવામાં આવી રહી હતી. વીડિયોમાં 50થી પણ વધુ બાળકો નદી પાર કરી રહ્યા હોવાનું જોઈ શકાતું હતું જેમાં અન્ય લોકો નાના બાળકોને નદી પાર કરાવવામાં મદદ કરી રહ્યા હતા.
આ ઉપરાંત વીડિયોમાં એક વ્યક્તિ રજૂઆત કરી રહી હતી કે, "વર્ષોથી ચોમાસામાં પાણી આવતાં આ બાળકો નિયમિત શાળાએ નથી આવી શકતાં. તેમને આવું જોખમી રીતે શાળાએ આવવું પડે છે, તેમના માટે કોઈ પુલની વ્યવસ્થા થતી નથી. અનેક રજૂઆતો કરવા છતાંય સરકાર કહે છે વાયબ્રન્ટ ગુજરાત. આવી દુર્દશા છે બાળકોની. સરકાર કહે છે કે બાળકોને ભણવો, તો કેવી રીતે બાળકોને ભણાવીએ?"
જોકે, વીડિયો વાયરલ થયાં બાદ સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરાવતાં શાળાએ જવા માટે રસ્તો હોવાની વિગતો બહાર આવી હતી. જેને ધ્યાને લઈ શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.