કાલભૈરવ મંદિરે 11 અને 21 રવિવારની માન્યતાઓ માને છે લોકો
બોલુન્દ્રા કાલભૈરવ મંદિરે અલગ અલગ તહેવારોએ વિશેષ પ્રકારની ઉજવણી પણ કરવામાં આવે છે. જેમાં સુખડીનો પ્રસાદ બનાવીને ભગવાન સમક્ષ ધરવામાં આવે છે .શ્રદ્ધાળુઓ પણ દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે.
Raj Chaudhary, Sabarkantha: ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વતના સાનિધ્યમાં હિંમતનગરથી 28 કિ.મી. દૂર ખેડ- તસિયા રોડ પર શ્રી કાલભૈરવનું ઐતિહાસિક મંદિર ઈડર તાલુકાના બોલુન્દ્રા ગામના પાદરે આવેલું છે. હિન્દુ, જૈન અને તમામ સંપ્રદાયમાં જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે તેવું કાલ ભૈરવનું ગુજરાતમાં પ્રથમ શિખરબંધ મંદિર છે. ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા ભૈરવદાદાનું સિદ્ધ મંદિર છે. આ મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું દેવસ્થાન છે.
સવા બસો વર્ષથી મંદિર છે સ્થિત
ગામનું પ્રાકૃતિક વાતાવરણ, દાદાની કાષ્ઠની મૂર્તિ અને પૌરાણિક ઇતિહાસનો ત્રિવેણી સંગમ પર ઉભેલા આ ઈષ્ટદેવ અહીં આશરે સવા બસો વર્ષથી પૂજાય છે. સેન્ડ સ્ટોન માંથી બનેલા આ મંદિર પર સુંદર શિલ્પ, સ્થાપત્ય, વિશાળ પ્રાંગણ સૌને આકર્ષે છે.
મંદિરને બાજુમાં ઐતિહાસિક વાવમાં ઈડર મહારાજા સાહેબનો શિલાલેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે. અનેક લોકોની માનતાઓ પૂરી કરનાર અને દેશ-વિદેશના લોકોની આસ્થા પૂરી કરનાર કાલ ભૈરવદાદા અહીં સિદ્ધ દેવ તરીકે સાક્ષાત્ બિરાજમાન છે.
નવરાત્રીમાં ચડાવાય છે સુખડીનો પ્રસાદ
નવરાત્રીના નોમના દિવસે યોજાતા પરંપરા હવનમાં હજારો કિલો સુખડીનો પ્રસાદ બનાવીને વહેંચવામાં આવે છે.
માનસિક તણાવ, અશાંતિ, મંગળના દોષ પીડાતા લોકોને ભૈરવની પૂજા અને સાધના તત્કાલ રાહત આપે છે. ગામની નજીક આવેલા નદીના કિનારે ભદ્રેસર નામના ગામ પાસે બોરાબાવજીની સમાધિ અને આશ્રમ આવેલા છે.
મંદિરના ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારોની કરાય છે ઉજવણી
કાલ ભૈરવ દાદાના મંદિરમાં વિશેષ દિન જેવા કે નવરાત્રી નોમનું હવન, કાળી ચૌદશ, કાલ ભૈરવ જયંતિ (કારતક વદ આઠમ) અને રવિવાર, મંગળવારનું વિશેષ મહત્ત્વ છે. નિયમિત ભૈરવ ચાલીસા કરતા ભક્તોને કલહ, કંકાસ, પીડા હરી લેતા દાદાના લોકોની શ્રદ્ધા દિન-પ્રતિદિન વધી રહી હોવાથી મંદિરના ટ્રસ્ટ દ્વારા વિવિધ સગવડોનું નિર્માણ ચાલી રહ્યું છે.