Raj Chaudhary, Sabarkantha: કર્ણાટકના ઉડુપીમાં દેશના 800થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની દીકરી કુમકુમ રામાણીએ લાંબી કૂદમાં 5.49 મીટર લાંબો કૂદકો લગાવી સિલ્વર મેડલ મેળવ્યો હતો.
અગાઉ પણ ગુવાહાટી ખાતે મેળવ્યો હતો ગોલ્ડ મેડલ
કુમકુમ હાલ હિંમતનગરની ફેથ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે તેણે અગાઉ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ગુવાહાટી ખાતે 5.56 મીટર લાંબો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને હાલમાં કર્ણાટકના ઉડુપી ખાતે 5.49 મીટર લાંબો કૂદકો લગાવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
દીકરીના માતા-પિતા ખૂબ જ ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છે
કુમકુના પિતા ભરતભાઈ ખેતી કામ કરે છે અને માતા ગૃહ કામ સંભાળે છે ભરતભાઈ ના કહેવા પ્રમાણે, કુમકુમે પોતાની રમતની તાલીમ ડી.એલ. એસ. એસ જામનગર ખાતે લીધી હતી. ત્યારબાદ પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે વધુ તાલીમ લઈ બે વખત પોતાનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે જે તેના પરીવાર સહિત સમગ્ર વિસ્તાર માટે ગૌરવ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે.
સાબર સ્ટેડિયમ દ્વારા દીકરીને પાઠવ્યા અભિનંદન
રાજ્યના ખેલાડી રમત ગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોના નિર્માણ કરવામાં આવ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની શાળા કોલેજના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી આ રમત સંકુલોના નિર્માણ લેવામાં આવ્યો હતો. છે. જે ઉમદા હેતુથી આ સંકુલો બનાવાઈ છે, તે સિદ્ધ થતા દેખાઈ રહ્યા છે. સાબરકાંઠા વહિવટી તંત્ર અને સાબર સ્ટેડિયમ દ્વારા આ દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.