ઇશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠાનાં વડાલીનાં યુવાન પર અત્યાચારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. યુવકનાં પરિવારે વડાલી પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ યુવાનનું અપહરણ કરીને અવાવરૂજગ્યામાં લઇ જઇને માર મારવામાં આવ્યો હતો. તેને જાતિવાચક શબ્દોથી પણ હેરાન કરવામાં આવ્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વડાલીનાં યુવાનને અન્ય જાતીનાં થોડા લોકો ભેગા થઇને ઉપાડી ગયા હતાં. તેને એક જગ્યા પર લઇ જઇ પહેલા માર મારવામાં આવ્યો હતો. અર્ઘનગ્ન હાલતમાં આ યુવકને જાતિવાચક શબ્દો પણ કહ્યાં હતાં. આ યુવકને ટોળાએ ગંદાં વાસણમાં પાણી પીવાની પણ ફરજ પાડી હતી. આ યુવકને થોડા વાક્યો બોલાવીને તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં લોકો યુવકને બોલાવે છે કે હવે તે કોઇ છોકરી પર બળજબરી નહીં કરે, તે કોઇની છેડતી નહીં કરે. આ યુવક તે બધું જ બોલે છે જે આ લાકો તેની પાસે બોલાવે છે. તે એ પણ સ્વીકારે છે કે તેણે એક યુવતીને હેરાન કરી હતી.