જિલ્લામાં ઘઉંનુ 76000 હેક્ટરમાં વાવેતર થયું હતું,8355 બોરી ઘઉંની આવક
હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના રેકોર્ડ બ્રેક 836 બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા તથા આસપાસના જિલ્લાના ખેડૂતો હિંમતનગર માર્કેટ યાર્ડમાં પોતાના ઘઉં લઈને વેચવા પહોંચી રહ્યા છે.
Raj Chaudhary, Sabarkantha: રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદનો કહેર, અને બીજી તરફ ખેડૂતોને પોતાની ઉપજનો સારો ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.ત્યારે હિંમતનગર માર્કેટયાર્ડમાં પણ ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, સહિતના જિલ્લામાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર યાર્ડમા ઘઉંના સારા ભાવ બોલાતા અહીંના ખેડૂતો મોટી સંખ્યામાં પાક વેચવા આવી રહ્યા છે. યાર્ડમાં હાલ રેકોર્ડ બ્રેક 836 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળી રહ્યા છે.
કમોસમી માવઠાના મારને પગલે ઘઉંની ગુણવત્તા બગડવાની અને ભાવ ન મળવાની દહેશત વચ્ચે હિંમતનગર માર્કેટ યાર્ડમાં કેશરપુરાના ઘઉંનો રેકોર્ડ બ્રેક ₹836 પ્રતિ મણ ભાવ બોલાયા હતા. આ વિસ્તારના ઘઉં ચમકતા અને દળદાર હોય છે જેને કારણે મહત્તમ ભાવ મળતો હોય છે. ઊંચા ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા પણ સર્જાઈ હતી
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડમાં ગુરુવારે 8355 બોરી ઘઉંની આવક નોંધાઈ છે. જિલ્લામાં ઘઉંનુ 76,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
હિંમતનગરના ઓપન માર્કેટમાં જાહેર હરાજીમાં 421થી અધધ એટલે કે 836 રૂપિયા સુધીના ભાવ પડતાં ખેડૂતોને હાલ તો રાહત થઈ છે.
આ વખતે બે થી ત્રણ વખત કમોસમી વરસાદ અને માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય હતો.
પરંતુ હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુથી હરાજી શરૂ થઈ છે. 430 થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તેમા સરેરાશ 450થી લઈ 500ની આસપાસ ભાવ મળી રહ્યા છે. તો જે ઘઉં સારા હોય તેના 670 થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે.
આસપાસના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગરમાં ઉમટ્યા
બે ત્રણ દિવસથી હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ ખેડૂતોને મળતા આસપાસના જિલ્લા જેવા કે અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી જાય છે. તો આ ઉપરાંત બીજા દિવસની હરાજી માટે એડવાન્સમાં લાઈન લગાવી ને ઉભા રહે છે.
અત્યારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહે છે.
ઇડર તાલુકાના કેતન પટેલે જણાવ્યું હતું કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલમાં સારા ભાવ મળી રહ્યા છે. આમ તો ખેડૂતોને કમોસમી વરસાદે રોવડાવ્યા છે. પરંતુ હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.